Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પોલીસ ગ્રેડ-પે આંદોલન બાબતે સોશ્યલ મીડિયામાં ખોટી પોસ્ટ કરનાર સામે કાર્યવાહી: પરિવારજનો દ્વારા ધરણા: આંદોલન ગંભીર સ્વરૂપ પકડે તેવા નિર્દેશો

ગુજરાત પોલીસનું ગ્રેડ પે આંદોલન ઉગ્ર બનતું દેખાઈ રહ્યું છે. પોલીસકર્મીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આંદોલન કરવામાં આવી રહ્યું છે.ત્યારે પોલીસ વિભાગ તરફથી એક સુચના જારી કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરનાર અને લોકોને ગેરમાર્ગે દોરનાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે, ગુજરાત પોલીસને નીચી દેખાડવા અન્ય રાજ્યની સાથે ગુજરાતની ખોટી સરખામણી થઈ રહી છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે સાતમા પગારપંચ પ્રમાણે ગુજરાતમાં પગાર ચુકવાય છે. તેથી પોલીસને ગેરમાર્ગે દોરી રહેલા તત્વો સામે કાયદાકીય પગલાં લેવાઈ શકે છે. અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાત પોલીસનો પગાર ઓછો હોવાની વાતને પોલીસ અધિકારીએ ભ્રામક ગણાવી છે અને સરકાર રાજ્યના પોલીસકર્મીઓને પગાર ભથ્થા સાથે અન્ય સુવિધાઓ આપતી હોવાનું જાહેર કર્યું છે.

આ અંગે રાજય ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, “કોઈપણ વિષયે પ્રશ્ન હોય તો અમે હકારાત્મક અભ્યાસ કરતા હોઈએ છીએ. આ સંદર્ભે આજે ફરી સમગ્ર કેસની તપાસ કરીને નિવેદન આપવામાં આવશે.” સોશિયલ મીડિયા પર ગ્રેડ-પે મુદ્દે ચાલી રહેલા આંદોલનને લઈને હર્ષ સંઘવીએ આ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, જે કોઈ મુદ્દા છે તે અમારા ધ્યાને આવ્યા છે. આ બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જરૂરી પરિબળો સાથે ચર્ચા કર્યા બાદ સકારાત્મક પગલા લેવાશે.

ગુજરાતભરમાંથી આંદોલનકારી પોલીસ કર્મચારીઓ જૂથમાં ગાંધીનગર તરફ આવી રહ્યા છે. પડતર માંગણીઓને લઈને કર્મચારી તેમજ તેમના પરિવારજનો દ્વારા ધરણાં શરુ કરી દેવામાં આવ્યા છે. સાંજ સુધીમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતાઓ જણાઈ રહી છે.

(5:42 pm IST)