Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

સી.આર. પાટીલ સાહેબ પાસે કદાચ વડોદરા પાલિકાએ કરેલી કામગીરીના આંકડા નહીં હોય, તેમ છતાં પણ તેમની ટકોરને અમે પોઝીટીવ લઇશુઃ વડોદરાના મેયર કેયુર રોકડિયાનું નિવેદન

મેયરને બેઠકો બંધ કરીને ઠોસ કામગીરી કરવા ભાજપ પ્રદેશ પ્રમુખએ કરેલી ટકોરનો જવાબ આપતા વડોદરા મેયર

વડોદરા: શહેરના એક કાર્યક્રમમાં શહેરના મેયર કેયુર રોકડીયાને મંચ પરથી સી આર પાટીલે રખડતાં ઢોરો મામલે મોટી ટકોર કરી હતી. જે મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વડોદરામાં રખડતાં ઢોરો શહેરમાંથી દૂર કરવાની સી આર પાટીલની મેયરને ટકોર કરવાના મામલે આજે એક મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે. શહેરના મેયર કેયુર રોકડીયાએ આ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સી આર પાટીલ સાહેબ પાસે કદાચ વડોદરા પાલિકાએ કરેલી કામગીરીના આંકડા નહી હોય, પરંતુ તેમ છતાં પાટીલ સાહેબની ટકોરને અમે પોઝિટિવ રૂપે લઈશું. આખા રાજ્યમાં સૌથી વધુ ઢોરો વડોદરા પાલિકાએ પકડ્યા છે. શહેરમાં છેલ્લા 20 દિવસમાં 690 ઢોરો પકડ્યા છે, અને 4800 ઢોરોનું ટેગિંગ પણ કર્યું છે. શહેરમાં રખડતા મૂકતા 28 પશુપાલકો સામે પાલિકાએ FIR પણ કરી છે.

સોમવારે વડોદરાના એક કાર્યક્રમમાં શહેરના મેયર કેયુર રોકડીયાને મંચ પરથી સી આર પાટીલે મોટી ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેયુરને મેયર બનાવ્યો ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે. કેયુર રોકડીયા યુવાન હતા એટલે મેયર બનાવ્યા. મેયર કેયુર રોકડીયા હવે મિટિંગ બંધ કરો, અને ઝડપી નિર્ણય લો. આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર ના દેખાવી જોઈએ. મંદિરમાં ભિક્ષુકો દેખાવા ના જોઈએ.

અત્રે નોંધનીય છે કે, ગઈકાલે જ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વડોદરાના મેયરને રખડતા ઢોર મામલે ટકોર કરી હતી. જેમાં તેમણે મેયરને બેઠકો બંધ કરીને ઠોસ કામગીરી કરવાની સીઆર પાટીલે મેયરને ટિપ્પણી કરી હતી. તેમ છતાં વડોદરાના મેયર પર જાણે કોઈ અસર ન થઈ હોય તેમ પાટિલે ખખડાવ્યા પછી પણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરામાં રખડતા ઢોરના કારણે લોકોનું રસ્તે ચાલવું મુશ્કેલ બની ગયું છેકેમ કે, ગમે ત્યારે કોઈ પણ ઢોર કોઈ પણ વ્યક્તિને અડફેટે લઈ લે છે. ત્યારે મહિલા પર રખડતા ઢોરના હુમલા બાદ મેયર કેયુર રોકડિયાનો રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવાનો દાવો પોકળ સાબિત થયો છે.

વડોદરામાં એક ગાયે વૃદ્ધા પર હુમલો કર્યો

વડોદરાના એક જાહેર કાર્યક્રમમાં સીઆર પાટીલની ટકોર અને મેયરના દાવા બાદ પણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જી હા, વડોદરાના રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં હજુ પણ ઢોર જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં વડોદરામાં એક ગાયે વૃદ્ધા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. નવાયાર્ડ વિસ્તારમાં વૃદ્ધાએ ગાયને શીંગડુ મારતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે.

(4:41 pm IST)