Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

શિયાળુ પાકના વાવેતરનો પ્રારંભ : ઘઉં, ચણા, જીરૂ પુષ્કળ પાકશે

પાછોતરા સારા વરસાદથી ખેડૂતોમાં આશા લહેરાઇ : દિવાળી પછી રવિ પાકના વાવેતરમાં વેગ આવશે

રાજકોટ,તા. ૨૬ : સૌરાષ્ટ્રના ખેતરોમાંથી એક તરફ મગફળી ઉપડીને બજારમાં ઠલવાઇ રહી છે. બીજી તરફ શિયાળુ પાકના વાવેતરની તૈયારી થઇ રહી છે. આ વખતે પાછોતરા સારા વરસાદ કારણે રવિ પાક સારો થવાની ખેડૂતોને આશા વધી છે. સૌરાષ્ટ્રમાં શિયાળામાં મુખ્યત્વે ઘઉં, ચણા અને જીરૂનું વાવેતર થાય છે.

સૌરાષ્ટ્રમાં ઓગષ્ટમાં વરસાદની અછત વર્તાતા કપાસ, મગફળીમાં પાક પર તેની અસર જોવા મળેલ. સપ્ટેમ્બરમાં ધોધમાર વરસાદ થતા જમીન પાણી-પાણી થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના ૭૫ જેટલા ડેમો આખા ભરાઇ ગયેલ જમીનમાં પાણીના તળ ઉંચા આવી ગયા છે. પાછોતરો વરસાદ શિયાળુ પાક માટે આશીર્વાદરૂપ થઇ ગયો છે.

સૌરાષ્ટ્રના ખેતરોમાં હજુ કપાસનો પાક તૈયાર થઇ રહ્યો છે. અતિવૃષ્ટિથી ઘણી જગ્યાએ કપાસને નુકશાની છે. મગફળી મબલખ પ્રમાણમાં બજારમાં આવી રહી છે. જેને ખેતરો ખાલી થઇ ગયા છે. તેવા ખેડૂતોએ ઘઉં, ચોખા, જીરૂ વગેરેનું વાવેતર શરૂ કરી દીધું છે. દિવાળી પછી શિયાળુ પાકનું વાવેતર પુરજોશમાં છે. આ ત્રણેય પાક સરેરાશ ત્રણ-ચાર મહિનાના છે. એટલે ફેબ્રુઆરી આસપાસ બજારમાં આવતા માંડશે. પાણીની દ્રષ્ટિએ શિયાળુ પાક માટે ખૂબ સાનુકુળતા છે. જો હવામાન કે અન્ય કોઇ પ્રતિકુળતા ન સર્જાય તો શિયાળુ પાકના ઢગલા થાય તેવી ખેડૂતોને આશા છે.

(12:13 pm IST)