Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

શહેરી અને ગ્રામ્ય વિસ્તારની વ્યાખ્યાના અર્થઘટનમાં અન્યાય : સરકારના બેવડાં ધોરણોથી શાળા સંચાલકો ભારે રોષની લાગણી

નાના શહેરોને વર્ગની સંખ્યા સમયે શહેરી અને આર્થિક લાભો સમયે ગ્રામ્ય વિસ્તાર ગણવામાં આવતો હોવાનો આક્ષેપ

અમદાવાદ : શહેરી અને ગ્રામ્ય વિસ્તારની વ્યાખ્યાનું અર્થઘટન અલગ અલગ કરવામાં આવતું હોવાથી સંચાલકો રોષે ભરાયા છે. નાના શહેરોને વર્ગની સંખ્યા માટે શહેરી વિસ્તાર મુજબ ગણતરી કરવામાં આવે છે જ્યારે આર્થિક લાભો આપવા માટે ગ્રામ્ય વિસ્તાર ગણવામાં આવતો હોવાથી આર્થિક નુકસાન થાય છે. આ મુદ્દે સંચાલક મંડળ દ્વારા કમિશનર ઓફ સ્કૂલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર અંગેની માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવે તો આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તેમ છે.

રાજ્યમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની વ્યાખ્યા સંદર્ભે વિવિધ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અલગ અલગ અર્થઘટનો કરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ અર્થઘટન થવાથી શાળાઓ અને તેમાં કામ કરતા કર્મચારીઓને આર્થિક નુકસાન થાય છે. સંચાલક મંડળને મળેલી વિવિધ રજૂઆતોમાં શહેરી વિસ્તારના સંખ્યાબળ કેટલું ગણાય. છેલ્લી વસતિ ગણતરી મુજબ કેટલી વસતિ હોય તો શહેરી વિસ્તાર ગણાય તે જ રીતે ગ્રામ્ય વિસ્તાર ગણવા માટે કેટલી વસતિ હોવી જોઈએ તેવા પ્રશ્નો કરવામાં આવે છે.

વર્ગોની વિદ્યાર્થી સંખ્યા ગણવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નાના શહેરોને શહેરી વિસ્તાર ગણીને 60+24 વિદ્યાર્થી સંખ્યા ગણતરીમાં લેવામાં આવે છે. જ્યારે મોંઘવારી ભથ્થુ, ટીએ-ડીએ ચુકવવાનું અથવા પગારમાં ગણવાનું હોય ત્યારે તે જ ગામને ગ્રામ્ય વિસ્તાર ગણીને કર્મચારીને ચુકવવામાં આવતું નથી. આમ, વિદ્યાર્થી સંખ્યા માટે શહેરી વિસ્તાર અને આર્થિક લાભ માટે ગ્રામ્ય વિસ્તાર ગણવામાં આવતું હોવાથી સંચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. આમ, એક જ જગ્યા માટે બે અલગ અલગ નિતી અમલમાં મૂકવામાં આવતા આ નિતી સમાજ માટે ઘાતક હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે.

આ મુદ્દે સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ દ્વારા કમિશનર ઓફ સ્કૂલને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર ગણવા માટે માર્ગદર્શક સુચનાઓ જિલ્લાના શિક્ષણાધિકારી કચેરીઓને આપવામાં આવવી જોઈએ. જેના લીધે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તે માટે માગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(11:59 pm IST)