Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી શિક્ષણ પર ગંભીર અસર : મુખ્ય વિષયના શિક્ષકો ના હોવાથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડયું

શિક્ષકોની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી તેમાંય વળી 30 ઓક્ટોબરના રોજ વધુ શિક્ષકો નિવૃત્ત થશે તો ખાલી જગ્યાની સંખ્યા વધશે : પ્રવાસી શિક્ષકો અંગે યોગ્ય નિર્ણય લઈ જાહેરાત કરવા રાજય શાળા સંચાલક મહામંડળએ કમિશનર ઓફ સ્કૂલની કચેરીને પત્ર લખ્યો

ગાંધીનગર :રાજ્યની શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે. તેમાંય વળી 30 ઓક્ટોબરના રોજ વધુ શિક્ષકો નિવૃત્ત થશે. ત્યારે ખાલી સંખ્યાની ગણતરીના આધારે તે પહેલા પ્રવાસી શિક્ષકો અંગે યોગ્ય નિર્ણય લઈ જાહેરાત કરવામાં આવે તે માટે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કમિશનર ઓફ સ્કૂલની કચેરીને પત્ર લખી રજૂઆત કરી છે. હાલમાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી તેની ગંભીર અસર શિક્ષણ પર પડી રહી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સ્કૂલ ઓફ કમિશનરને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ગ્રાન્ટ લેતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લી શિક્ષકોની ભરતી બાદ રાજીનામાથી, નિવૃત્તિથી અને કોરોનાના કારણે મૃત્યુથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓનું ઈન્ડેન રાજ્યના વિવિધ જિલ્લાઓના જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ મોકલવામાં આવે છે. આમ, ખાલી જગ્યાઓ સંદર્ભે કુલ આંકડો કમિશનર ઓફ સ્કૂલની કચેરીમાં ઉપલબ્ધ હોવાથી તેને આધાર બનાવીને શિક્ષણ વિભાગમાં પ્રવાસી શિક્ષકોની મંજુરી માટે દરખાસ્તનું કામ કરવાનું હોય છે.

ચાલુ શૈક્ષણિક વર્ષ 6 જૂનથી શિક્ષણ કાર્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શરૂ થયું છે. શાળાઓમાં ભણાવવા માટેના મહત્વના વિષયોની જગ્યા ખાલી છે. શિક્ષણ બોર્ડના પરીક્ષા કાર્યક્રમ મુજબ પ્રથમ પરીક્ષા હાલમાં ચાલી રહી છે. હવે મુખ્ય વિષયોના શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડ્યું છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી વાલીઓ એલસી લઈને ખાનગી સ્કૂલમાં પ્રવેશ લેતા ગ્રાન્ટેડ સ્કૂલોની સંખ્યા પણ ઘટતી જાય છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, શાળાના બોર્ડના પરિણામોને આધારીત નિભાવ ગ્રાન્ટ હોવાથી અને શાળાઓમાં મહત્વના વિષયોના શિક્ષકો ન હોવાથી ઓછુ પરિણામ આવે અને ગ્રાન્ટકાપ આવે તેના માટે જવાબદાર કોણ ગણાય તેવો વેધક પ્રશ્ન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રવાસી શિક્ષકોની સમયસર નિમણુંક ન થવાના કારણે વિવિધ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.

સામાન્ય રીતે નિવૃત્તિની તારીખ 30 ઓક્ટોબર અને 31મી મે છે, જેના આધારે જૂનના પ્રથમ સપ્તાહમાં જિલ્લા કક્ષાએથી કમિશનર ઓફ સ્કૂલની કચેરી પાસેથી શિક્ષકોની ખાલી જગ્યાઓના આંકડા મળી શકે તેમ હોય છે. અને મેના અંત સુધીમાં પ્રવાસી શિક્ષકો અંગેનો ઠરાવ સુચનાઓ અને પરિપત્ર કચેરી દ્વારા કરવામાં આવે તો શિક્ષણનો શૂન્યવકાશ પેદા ન થાય. જેથી 30 ઓક્ટોબર પહેલા પ્રવાસી શિક્ષકો અંગે યોગ્ય નિર્ણય કરવા માંગણી કરી છે.

(10:42 pm IST)