Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગાંધીનગર જિલ્લામાં ધમધમતી દારૂની ભઠ્ઠી પર એલસીબીના દરોડા:બુટલેગરને ઝડપી ગુનો દાખલ

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યારે કલોલના ગણપતપુરા ગામમાં તળાવ ઉપર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ગાંધીનગર  એલસીબીની ટીમે દરોડો પાડી ૩૦૦ લીટર દેશી દારૂ અને ૪૦૦ લીટર વોશ  કબ્જે કર્યો હતો તેમજ બુટલેગરને ઝડપી લઈ તેની સામે સાંતેજ પોલીસ મથકમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાવ્યો હતો

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ દેશી દારૂની હાટડીઓ ધમધમતી હોય છે જે આસપાસના વિસ્તારોમાં દેશી દારૂનો પુરવઠો પુરો પાડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર કાર્યવાહી કરવા માટે પ્રોહીબીશન ડ્રાઈવ ચાલી રહી છે. ત્યારે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કલોલના ગણપતપુરા ગામે રહેતો કલ્પેશજી જેસંગજી ઠાકોર તળાવ નજીકની ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડતાં અહીં અલગ અલગ કેરબાઓમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ અને ૪૦૦ લીટર દેશી દારૂ ગાળવાનો વોશ મળી આવ્યો હતો. દરોડા દરમ્યાન કલ્પેશ ઠાકોર મળી આવતાં તેની પ્રોહીબીશન એકટ મુજબ અટકાયત કરવામાં આવી હતી અને પોલીસે ૬૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેર જિલ્લામાં છેલ્લા અઠવાડીયાથી ખાસ પ્રોહીબીશન ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

(6:48 pm IST)