Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

રાજ્‍યમાં ઘણા બ્રિજ જર્જરીત હાલતમાં: તંત્રની ઘોર બેદરકારીથી સર્જાતા અકસ્‍માતો યથાવત

બ્રિજની ગુણવત્તા અને સ્‍થિતિ વિશે ઉડતા અનેક સવાલો

અમદાવાદઃ મોરબીનો ઝૂલતો પુલ, અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ અને હવે સુરેન્દ્રનગરમાંથી પણ ભ્રષ્ટાચારનો બ્રિજ સામે આવ્યો છે. ત્યારે રાજ્યમાં હજુ આવા કેટલાં પુલ છે. તેનું ZEE 24 કલાકે રિયાલિટી ચેક કર્યુ. ત્યારે અમારા રિયાલીટી ચેકમાં જે સત્ય બહાર આવ્યુ, તે ચોંકાવનારું હતુ.

હાલમાં સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારના ભાર ઉપાડીને વર્ષોથી ઉભેલો બ્રિજ તુટી પડ્યા છે. ત્યારે આવા અનેક બ્રિજ હજુપણ રાજ્યમાં દૂર્ઘટનાના વાંકે ઉભા છે. આવો જ એક બ્રિજ છે. ભરૂચના નંદેલાવ ફાટક પરનો અત્યંત જર્જરિત બનેલો ઓવર બ્રિજ. આ ઓવરબ્રિજ ભરૂચ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો, સાથે જ ભરૂચને દહેજ સાથે જોડતો મુખ્ય ઓવરબ્રિજ છે. ત્યારે આ બ્રિજ પર રોડના સળિયા પણ દેખાવા લાગ્યા છે. એટલું જ નહીં અનેક જગ્યાએ જર્જરિત બનેલા બ્રિજ પર મસમોટા ખાડા પણ પડી ગયા છે. તો અનેક જગ્યાએથી ડામર પણ ઉંખડી ગયો છે.

હવે વાત કરીએ, છોટાઉદેપુરના બોડેલીમાં મોત બનીને ઉભેલા જર્જરિત બ્રિજની. ઢોકલિયા ગામ પાસે ઓરસંગ નદી પરનો પુલ પણ જર્જરિત હાલતમાં ઉભો છે. પુલની હાલત હાલ એવી છે કે પુલ પર તિરાડો પણ પડી ગઈ છે. એટલું જ નહીં પુલના પિલ્લર વચ્ચેનો ગેપ પણ ખૂબ વધી ગયો છે. ત્યારે ઓરસંગ નદી પર બનેલો આ બ્રિજ ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જઈ શકે તેમ છે.

રાજ્યમાં અનેક બ્રિજની ગુણવત્તા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે.... જેમાંથી એક બ્રિજ છે નવસારીમાં અંબિકા નદી પર બનેલો બિલીમોરા અને અમલસાડને જોડતો બ્રિજ.... આ પુલ પણ જર્જરિત અવસ્થામાં પહોંચી ગયો છે.... પુલ જર્જરિત થતાં ઓગસ્ટ મહિનાથી તેને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.... પરંતુ અહીંયા ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે 1971માં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું તે પછી તેના રિપેરિંગ માટે કોઈ ધ્યાન જ આપવામાં આવ્યુ નથી, જેના કારણે પુલ પર મસમોટા ગાબડા પડ્યા છે અને  આજે આ પુલ અત્યંત જર્જરિત બની ગયો છે....

વીઓ. રાજ્યમાં આવા તો અનેક બ્રિજ છે. જે લોકોના જીવ લઈ શકે તેમ છે. ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યમાં કેટલાં બ્રિજ મોત બનીને ઉભા છે?, તંત્ર આવા બ્રિજની ક્યારે કરશે ચકાસણી?, શું મોરબીથી પણ મોટી દુર્ઘટનાની જોવાઈ રહી છે રાહ? પોપડાં ખર્ચાં, સળિયા દેખાયા છતાં કેમ સમારકામ નહીં? બ્રિજ બન્યાં બાદ સમારકામ પર કેમ ધ્યાન અપાતું નથી? હાઈકોર્ટની ફટકાર છતાં આળસુ તંત્ર કેમ નથી કરતું કામ? આવા ભ્રષ્ટાચારી બાબુઓને કોણ કરશે દૂર?

આ એવા સળગતા સવાલ છે. જે માત્ર સરકાર જ આપી શકે છે. જો તંત્ર દ્વારા હજુપણ આવા જર્જરિત બ્રિજ પર ધ્યાન નહીં આપવામાં આવે તો મોરબીની જેમ અનેક લોકોને પોતાના જીવ ખોવાનો વારો આવશે..

(6:11 pm IST)