Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

અંબાજી ખાતેના મેળામાં યાત્રિકો માટે સઘન સુરક્ષા ગોઠવાઇઃ સીસીટીવી કેમેરાથી સતત દેખરેખ અને 6500થી વધુ પોલીસ કર્મચારી ખડેપગે

યાત્રીકોની ભીડને ટાળવા ઓનલાઇન પેમેન્‍ટથી પ્રસાદ મેળવવાની સુવિધા

બનાસકાંઠાઃ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થઈ ચૂક્યો છે. અંબાજી મેળામાં લાખો યાત્રાળુઓ મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓની સુખ, સુવિધા, સલામતી માટે પોલીસતંત્ર રાત દિવસ ખડેપગે કામગીરી કરી રહ્યું છે. યાત્રિકોની સલામતી સાથે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યુ છે.

મેળામાં યાત્રિકોની સઘન સુરક્ષા માટે 6500 પોલીસ જવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત મેળામાં 400 જેટલા સીસી ટીવી કેમેરાથી યાત્રાળુઓની સલામતી માટે બાજ નજર રખાઇ રહી છે. ભાદરવી પૂનમના મેળામં આ પાંચ દિવસ દરમિયાન સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણી તથા યાત્રિકોની સઘન સુરક્ષા માટે મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો છે.

અંબાજી મેળા દરમિયાન 20 નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી, 54 પોલીસ ઇન્સપેકટર, 150 પોલીસ સબ ઇન્સપેકટર સહિત પોલીસ જવાનો વિવિધ સ્થળોએ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત 07 બીડીએસની ટીમ, ક્યુઆર ટીમ ખડેપગે સેવા આપી રહી છે. સેવા, સુરક્ષા અને સલામતીના સુત્રને સાર્થકતા સાથે પોલીસ જવાનો દ્વારા અંબાજી મેળામાં કામગીરી કરાઇ રહી છે. જોકે મેળા નાં આ ત્રણ દિવસ માં એક અક્સ્માત સિવાય કોઈ ઘટના બનવા પામેલ નથી

વેન્ડિંગ મશીન મુકાયા

અંબાજી અને ગબ્બરમાં કુલ 6 વેન્ડીંગ મશીન મુકાયા છે. યાત્રિકો ભીડ અને લાઈનથી બચવા ઓનલાઇન પેમેન્ટ કરી પ્રસાદ મેળવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ઓનલાઇન QR કોડ સ્કેન કરી UPI તેમજ GOOGLE PAY થી પેમેન્ટ કરી પ્રસાદ મેળવી રહ્યા છે. પ્રસાદ વાળા વેન્ડીંગ મશીન આગળ હવે રોકડા રૂપિયાની જરૂર નથી. મોબાઈલની કનેક્ટિવિટી નહિ હોય તો વેન્ડીંગ મશીન આગળ પ્રસાદ માટે રાહ જોવી પડશે. મેળાના પ્રથમ દિવસે વેન્ડીંગ મશીન દ્વારા 1000 લોકોએ વેન્ડીંગ મશીનનો લાભ લીધો છે.

મહત્વનું છે કે, પ્રસાદના બોક્સ વિવિધ ભેટ કેન્દ્રો સહિત વેન્ડિંગ મશીન દ્વારા પણ પ્રાપ્ત થઈ શકશે. પુરવઠા અધિકારી એચ. કે. ગઢવીએ જણાવ્યું હતું કે મૂળ મંદિરના ત્રણ ભેટ કાઉન્ટર, મંદિર યજ્ઞશાળાની બાજુમાં 2, ગણપતિ મંદિર પાસે 1, મંદિર બહાર 7 નંબર ગેટ પાસે 1, મુખ્ય શક્તિદ્વાર, વી. આઈ. પી. પ્લાઝા નજીક 1 સહિત જુદા જુદા બે વેડિંગ મશીન દ્વારા પણ ભક્તોને માતાજીનો પ્રસાદ મળી રહેશે.

(5:49 pm IST)