Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં વરસાદ બાદ દેશમાંથી ચોમાસાની વિદાય શરૂઃ હવામાન વિભાગ

રાજ્‍યમાં સરેરાશ 35 ઇંચ સાથે સીઝનનો 102 ટકા વરા વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવશે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. બીજી તરફ, ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે. આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. જેની હવામાન વિભાગે પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ત્યારે મેઘરાજા જતાં જતાં પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધમધોકાર વરસી રહ્યા છે. 

ગુજરાતમાં ખેડૂતો સાથે આ વર્ષે મેઘરાજાએ જાણે સંતાકૂકડી જ રમ્યા છે. જેમાં આગમન સાથે મેઘરાજા મૂશળધાર વરસ્યા, જે બાદ આખો ઓગસ્ટ મહિના કોરો ધાકોર ગયો. અને જેવો સપ્ટેમ્બર શરૂ થયો કે ફરી મેઘરાજાએ પોતાની તોફાની ઈનિંગ્સ શરૂ કરી. ત્યારે હવે અંતે હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ હોવાની જાહેરાત કરી દીધી છે.

રાજ્યમાં સરેરાશ 35 ઈંચ સાથે સિઝનનો 102 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં 69 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. તો 144 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ અને 38 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. તો એકપણ તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ આ વર્ષે વરસ્યો નથી. હાલ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે હજુપણ થોડા દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

ગુજરાતમાંથી મેઘરાજાની વિદાય શરૂ થઈ ગઈ છે ત્યારે ભારે વરસાદ સાથે મેઘરાજા વિદાય લઈ રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેમાં રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે મેઘરાજા તોફાની ઈનિંસ રમ્યા. માત્ર દોઢ કલાકમાં સવા બે ઈંચ જેટલો વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ તરફ અમરેલીના રાજુલા અને ખાંભામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જેમાં રાજુલાના ચોત્રા ગામમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ થતાં ગામના બજારોમાં પાણી વહેતા થયા, સાથે જ ખાંભાની ધાતરવડી નદીમાં નવા નીરની આવક પણ થવા પામી હતી. ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેમાં માલશ્રમ, કાજ, બાવાના પીપળવા, જંત્રાખડી સહિતના વિસ્તારમાં એક કલાકમાં જ ભારે વરસાદ થતાં પાણી-પાણી થયા હતા. મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો.. જેમાં મોરબીના હળવદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો.. ગણતરીની મિનિટોમાં જ એક ઈંચ વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થયા હતા.

તો જૂનાગઢમાં પણ મેઘરાજાએ મેઘ મહેર વરસાવી. જેમાં ગીરનાર પર્વત પર ભારે અને ઉપલા દાતાર પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. યાત્રાળુઓના ધસારા વચ્ચે ભારે વરસાદ થતાં યાત્રિકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગે તો સત્તાવાર રીતે દેશ સહિત ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની જાહેરાત કરી દીધી છે. તેમ છતાં હજુપણ થોડા દિવસ ગુજરાત પર વરસાદનું જોર રહેશે. જેમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે.

(5:46 pm IST)