Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રાજપીપલા ટાઉન હોલમાં જિલ્લા કક્ષાના રોજગાર-એપ્રેન્ટિસશિપ નિમણૂંક- કરારપત્રો એનાયતનો કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં રોજગાર/ એપ્રેન્ટિસશિપ નિમણૂંક-કરારપત્રો એનાયત કરવાના રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત આજે રાજપીપલાના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અઘ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લામાં અત્યાર સુધી યોજાયેલા ૨૩ જેટલાં વિવિધ ભરતી મેળાઓમાં પસંદગી પામેલા ૯૦૫ જેટલા ઉમેદવારોને નિમણૂંક-કરાર પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ કાર્યક્રમમાં ઉપસ્થિત નવયુવાનોને સંબોધતા જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર યુવાનોના રોજગાર માટે નવી તકો ઉભી કરવા સતત ચિંતા કરી રહી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ૧ લાખ યુવાનોને રોજગારી પુરી પાડવાના કરેલા સંકલ્પના પરિણામે છેલ્લા પાંચ મહિનામાં શ્રમ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં ૨૩ જેટલાં ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૦૫  ઉમેદવારોની નોકરી અને એપ્રેન્ટિસશીપ માટે પસંદગી કરાઇ હતી. જે તમામ યુવાનોને અહીંથી તેમના નિમણૂંક તેમજ કરાર પત્રો એનાયત કરવામાં આવી રહ્યાં છે, ત્યારે જે યુવાનોને અલગ અલગ ક્ષેત્રમાં કામ કરવાની તક મળી છે તેઓ પોતાના સ્થાને પુરી લગન સાથે ગુણવત્તાયુક્ત કામ કરી દેશના વિકાસમાં સહભાગી બનવાની હિમાયત કરી હતી. મુખ્યમંત્રીએ પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે ત્યારે યુવાનો પણ નિષ્ઠાપૂર્વક કામ કરે અને પોતાના પરિવાર સાથે રાજ્યના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતના યુવાનોને રોજગારી આપવા તથા નોકરીદાતાઓને તેમની જરૂરિયાત મુજબનું માનવબળ ઓનલાઇન વ્યવસ્થાથી પૂરી પાડવાના શુભ આશયથી ગુજરાત સરકાર દ્વારા "અનુબંધમ" વેબપોર્ટલ અને મોબાઇલ એપ વિકસાવવામા આવી છે, જે યુવાનોને સરળતાથી નોકરી શોધવામાં પૂરક બની રહે છે. આ "અનુબંધમ" વેબ પોર્ટલમાં નર્મદા જિલ્લાના ૩,૯૫૪ ઉમેદવારો તથા ૨૧૬ નોકરીદાતાઓ આજની તારીખે નોંધાયેલા છે.
 આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત એ યુવનોનો દેશ છે. ભારત વર્ષની સમૃધ્ધિ અને પ્રગતિ માટે યુવાનોની સતત ચિંતા કરનાર  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોના રોજગાર માટે અસંખ્ય યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજનાઓ થકી યુવાનોને વિવિધ ક્ષેત્રે કામ કરવાની તક મળી રહે છે, તેમ પણ તેઓશ્રીએ ઉમેર્યું હતું.
 વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુવાનને ખીલતો અને તાજગીભર્યો રાખવા માટે રોજગાર આપવાની પ્રથમ ફરજ સરકારની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એક લાખ યુવાનોને રોજગાર આપવાનો કરેલો સંકલ્પ  આજે પુરો થયો છે. આજની પેઢી ટેકનોલોજીથી વાકેફ છે, ત્યારે સૌ યુવાનોએ હાથ મિલાવીને નિષ્ઠાપૂર્વક અને ગુણવત્તાસભર કામો કરી વિકાસમાં સહભાગી થવાનું છે. યુવાનોએ લક્ષ્યાંક ઊંચો રાખી જીવનમાં આગળ વધવાની તમન્ના રાખી સરકાર દ્વારા અપાતી વિવિધ યોજનાઓનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં નિમણૂંકપત્ર મેળવનાર જીગરભાઇ ચૌધરીએ સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા બે-ત્રણ વર્ષથી ભરતીઓ બહાર પાડવામાં આવી રહી છે. ત્યારે આજની યુવા પેઢી આત્મનિર્ભર બની છે અને ભાવિ પઢીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, ધૈર્યપૂર્વક તૈયારી કરશો તો સૌને સફળતા મળશે.
 ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૧૪ ઉમેદવારોને પ્રતિકાત્મક રીતે રોજગાર/ એપ્રેન્ટીસશિપ નિમણૂંક પ્રમાણપત્રોનું  વિતરણ કરાયું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમ બાદ રાજ્યકક્ષાના કાર્યમનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું.
સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઇ વસાવા, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, જિલ્લાની આઇ.ટી.આઇના આચાર્ય-ઇન્ટ્રક્ટર, રોજગાર અધિકારી લાભાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

 

(11:06 pm IST)