Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર

૩૩ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયુ

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડેની આગેવાનીમાં ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી આવેલા જિલ્લા ચૂંટણી અધિકારીઓ, રેન્જ આઈ.જી., ડી.આઈ.જી તથા જિલ્લા પોલીસ વડા પાસેથી જિલ્લાવાર ચૂંટણી પૂર્વેની તૈયારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી હતી. દરેક જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા ચૂંટણીની પૂર્વ તૈયારી માટેની સુસજ્જતા વિશે જિલ્લાવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
સમીક્ષા બેઠક પહેલાં રાજકીય પક્ષોના આગેવાનોએ પણ ભારતના ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અને આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તથા અમલીકરણ એજન્સીઓ સાથે સમીક્ષા કરાઇ રહી છે. ચૂંટણી પંચ મંગળવારે રાજ્યના મુખ્ય સચિવ અને ડી.જી.પી. સાથે બેઠક કરશે. આ પ્રકારે સમગ્ર રાજ્યમાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ આગામી વિધાનસભા ચૂંટણીનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરાશે.
ચૂંટણી તૈયારીઓની સમીક્ષા દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી C-VIGIL ઍપનો વીડિયો લોન્ચ કરવામાં આવ્યો હતો

 

(10:11 pm IST)