Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

નોરતાના પ્રારંભે શક્‍તિપીઠ પાવાગઢમાં ભક્‍તોએ દુધિયા તળાવમાં સ્‍નાન કરી મંદિરમાંથી જ્‍યોત લઇ જવાની પરંપરા નિભાવી

નીજ મંદિરના દ્વારા ખુલતા જ માતાજીના જયનાદ સાથે મંદિર પરિસરમાં ભક્‍તિમય વાતાવરણ સર્જાયુ

પંચમહાલઃ આજથી નવરાત્રીનો પ્રારંભ થતા જ શક્‍તિપીઠ પાવાગઢમાં મહાકાળી મંદિર પરિસરમાં ભક્‍તોની ભીડ થતા સમગ્ર વાતાવરણ ભક્‍તિમય બન્‍યુ છે. સવારે પાંચ વાગ્‍યે મંદિર ખુલતા જ માતાજીના જયઘોષથી પરિસર ગુંજી ઉઠયુ હતુ. ભક્‍તો દ્વારા દુધિયા તળાવમાં સ્‍નાન કરીને મંદિરમાંથી જ્‍યોત લઇ જવાની પરંપરા નિભાવાઇ હતી.

આજથી મા આધ્યા શક્તિની આરાધાનાનો પર્વ એટલે કે નવરાત્રિની શરૂઆત થઈ છે. ભક્તિમય વાતાવરણમાં મંદિરોમાં અનુષ્ઠાન, પુજા પાઠ અને ગરબાની રમઝટ જામશે. ગુજરાતનો સૌથી લોકપ્રિય ઉત્સવ એટલે આસો નવરાત્રિનું મહત્વ વધુ હોય છે. અમદાવાદમાં ભદ્રકાળી, મહેસાણામાં બહુચરાજી અને ઉઝા ઉમિયા માતાજી, કચ્છમાં આશાપુરા માતાના મઢમાં, યાત્રાધામ પાવાગઢ, અંબાજી મંદિર સહિતના રાજ્યભરના મંદિરોમાં અનુષ્ઠાન અને પુજા પાઠ સાથે ભક્તિમય વાતાવરણમાં આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. તો લાંબા સમયથી યુવાધનમાં જોવાતી નવરાત્રિ રમઝટની આતુરતાનો પણ આજે અંત આવશે અને રાત્રે રાસની રમઝટ જામશે. મહત્વનું છે કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી નવરાત્રિમાં રાસની રમઝટ જામી નહોંતી. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો હોવાથી મન મૂકીને ખેલૈયાઓ ગરબે રમી શકશે. કોઈ જ પ્રકારના નિયંત્રણો વગર બે વર્ષ બાદ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગરબે ઘૂમવા ગુજરાતનું યુવાધન થનગની રહ્યું છે.

નગરદેવી દર્શને પહોંચ્યા ભક્તો

આજથી નવરાત્રિના પવન પર્વની શરૂઆત થઈ છે. નવરાત્રિ પર્વ માતાની આરાધના અને ઉપાસનાનો પર્વ છે. જેમાં માતાજીના નવદુર્ગાના રૂપની પૂજા કરવામાં આવે છે. આજે માતાજી ગાય આસન પર બિરાજમાન છે. આજના દિવસે ભક્તો નગર દેવીના દર્શન કરી સુખ શાંતિ અને સમુદ્ધ માટે પ્રાર્થના કરે છે. ત્યારે આજે અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલા ભદ્રકાળી મંદિરમાં લોકોની સવારથી જ ભીડ જોવા મળી રહી છે. નગર દેવી ભદ્રકાળી માતા આજે ભક્તોને શૈલપુત્રી રૂપમાં ભક્તોને દર્શન આપશે. નવ દિવસમાં ભદ્રકાળી અલગ અલગ સિંહાસન પર બીરાજમાન થઈ ભક્તોને આશીર્વાદ આપશે. આજે ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે. સવારથી જ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા છે.

અંબાજીમાં ભક્તોની ભારે ભીડ

તો અંબાજીમાં આજથી આસો સુદ નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રિના કારણે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. મંગળા આરતી માટે વહેલીસવારથી ભક્તોની લાંબી લાઈન લાગી હતી. પહેલા દિવસે ભક્તો મંગળા આરતીમાં લ્હાવો લેવાનું ચૂક્યા ન હતા. નવરાત્રિમાં મા અંબાના દર્શનનું વિશેષ માહાત્મ્ય છે. અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવશે.

(6:04 pm IST)