Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વડોદરાના કલામંદિર નજીક રીક્ષા પાર્ક કરવા બાબતે ટ્રાફિક પોલીસ સાથે હાથાપાઈ કરનાર ચાલકની ધરપકડ

વડોદરા:શહેરના કલામંદિરના ખાચા પાસે ટ્રાફિકને નડતરરૂપ રીક્ષા પાર્ક નહીં કરવા જણાવતા ટ્રાફિક પોલીસ કર્મીને ગાળો ભાંડી ઝપાઝપી કરી જાહેર માર્ગ ઉપર તમાશો કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરનાર રીક્ષા ચાલકની પોલીસે અટકાયત કરી છે. 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વડોદરા પોલીસ ટ્રાફિક શાખાના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભીમસીંગભાઇ કોયલાભાઈ ગઈકાલે અન્ય સહ પોલીસ કર્મચારીઓ સાથે ગાંધીનગર ગૃહ ખાતે સાંજના સુમારે ફરજ ઉપર હાજર હતા. તે સમયે કલામંદિરના નાકા પાસે ટ્રાફિકને નડતરરૂપ ન બને તે માટે રીક્ષા ઉભી રાખવા નહીં જણાવતા રીક્ષા ચાલકે ભીમસિંગભાઈ સાથે ઝઘડો કર્યો હતો. અને રીક્ષા ચાલકે અપશબ્દો બોલી જાહેર માર્ગ ઉપર ઝપાઝપી કરી શોર મચાવી ટોળા એકત્ર કર્યા હતા. કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર રીક્ષા ચાલકની પોલીસે અટકાત કરી પૂછતાછ કરતા વિપુલ રાજુભાઈ પરમાર ( રહે - ચકનીયા પોળ , બાજવાડા ) હોવાનું બહાર આવ્યું હતું.

(5:12 pm IST)