Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

આણંદ એલસીબીએ રાત્રીના સુમારે નેશનલ હાઇવે પરથી ફિલ્મી ઢબે કારનો પીછો કરી 1.70લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

આણંદ : આણંદ એલસીબી પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે નેશનલ હાઈવે નં-૪૮ ઉપર આવેલ આણંદ તાલુકાના મોગર ગામ નજીકથી ફિલ્મીઢબે એક કારનો પીછો કરી રૂા.૧.૭૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે લીધો હતો. જો કે કાર ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ બનાવ અંગે વાસદ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કારના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ એલસીબી પોલીસની ટીમ ગતરોજ નાઈટ પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન નેશનલ હાઈવે નં-૪૮ ઉપર આવેલ વાસદ તરફ જતી વખતે ગોપાલપુરા પાટીયા નજીકથી એક સફેદ કલરની કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે તેને અટકાવવા માટે ઈશારો કર્યો હતો.  અને વાસદ પોલીસ મથકને પણ આ અંગે જાણ કરી હતી. જો કે વાસદ પોલીસે આગળથી નાકાબંધી કરતા પોલીસને જોઈ કાર ચાલકે યુ-ટર્ન લઈ કાર હંકારી હતી પરંતુ કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ડીવાઈડ કુદીને રોંગ સાઈડ તરફ ધસી ગઈ હતી. દરમ્યાન વ્રજભૂમિ સ્કુલ તરફના રોડ ઉપર કાર ચાલક કારને બીનવારસી હાલતમાં મુકી નાસી છૂટયો હતો. પીછો કરી રહેલ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને કારની તલાશી લેતા અંદરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૪૨૦ નંગ બોટલો મળી આવી હતી. 

(5:12 pm IST)