Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જીટીયુની સ્વયંસેવક વિદ્યાર્થીની ઝંખના જોષીને રાષ્ટ્રપતિના હસ્તે “ઉચ્ચતમ રાષ્ટ્રીય એનએસએસ પુરસ્કાર” એનાયત

ઝંખના જોષી દ્વારા વણવપરાંતા કપડાં, રમકડાં અને પુસ્તકો એકત્ર કરીને જરૂરીયાતમંદ સુધી પહોંચાડાયુ : પર્યાવરણ અંતર્ગત પ્લાસ્ટીક ફ્રી માટે કાપડની થેલીનું વિતરણ , સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ટોયલેટ નિર્માણ, જળ સિંચાઈ અને ભૂગર્ભ જળને ઉપર લાવવા માટે પણ અનેક પ્રકારે ઝંખના જોષીએ જન જાગૃતિ માટેના સેમીનારો યોજ્યા

અમદાવાદ :રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ટેક્નોલોજીકલ શિક્ષણની સાથે-સાથે રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) અંતર્ગત પણ સમાજ ઉત્થાનના તમામ પ્રકારના કાર્યો કરવામાં આવે છે. મીનીસ્ટ્રીઝ ઑફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા દર વર્ષે 24 સપ્ટેમ્બરના રોજ એનએસએસ દિવસની ઉજવણી પ્રસંગે “ઉચ્ચતમ રાષ્ટ્રીય એનએસએસ પુરસ્કાર” જાહેર કરવામાં આવે છે. વર્ષ 2019-20 માટે જીટીયુની સ્વયંસેવક વિદ્યાર્થીની ઝંખના જોષીએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે “ઉચ્ચતમ રાષ્ટ્રીય એનએસએસ પુરસ્કાર” મેળવ્યો છે. શ્રેષ્ઠ એનએસએસ સ્વયંસેવકની કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કર મેળવનાર જીટીયુ ગુજરાતની એક માત્ર યુનિવર્સિટી છે ,

11000થી પણ વધુ એનએસએસ સ્વયંસેવકો ધરાવતી જીટીયુ નીતનવા સમાજ ઉપયોગી કાર્યો કરીને દેશસેવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન પૂરું પાડે છે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ દરેક ક્ષેત્રમાં સમાજ ઉપયોગી કાર્યો કરવામાં અગ્રેસર રહી છે. રાષ્ટ્રપતિના હસ્તે જીટીયુ એનએસએસની સ્વયંસેવક વિદ્યાર્થીનીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા છે. જે સમગ્ર જીટીયુ પરિવાર માટે ગૌરવની વાત છે.

જીટીયુ સંલગ્ન વિશ્વકર્મા એન્જિનિયરીંગ કૉલેજની વિદ્યાર્થીની ઝંખના જોષી દ્વારા વણવપરાંતા કપડાં, રમકડાં અને પુસ્તકો એકત્ર કરીને જરૂરીયાતમંદ સુધી પહોંચાડીને સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત “ધિસ સમર ફોર બર્ડ” પ્રોગ્રામ અંતર્ગત ઉનાળાના સમયમાં પક્ષીઓ માટે ઝાડ પર માળા અને પીવાના પાણી માટેના કુંડા બહોળી સંખ્યામાં ઝાડ પર લગાવાનું અભિયાન હાથ ધર્યું હતું. પર્યાવરણ અંતર્ગત પ્લાસ્ટીક ફ્રી માટે કાપડની થેલીનું વિતરણ , સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ટોયલેટ નિર્માણ, જળ સિંચાઈ અને ભૂગર્ભ જળને ઉપર લાવવા માટે પણ અનેક પ્રકારે ઝંખના જોષી દ્વારા જન જાગૃતિ માટેના સેમીનારો યોજીને સમાજ ઉત્થાન માટેના કાર્યો કરવામાં આવ્યા છે. મીનીસ્ટ્રીઝ ઑફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા તેમના આ યોગદાનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પુરસ્કાર આપીને સન્માનવામાં આવ્યા છે.

(11:03 pm IST)