Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

પઠાણી ઊઘરાણી કરનારા પર નિયંત્રણ માટે રજૂઆત

કોરોનામાં વેપાર-ધંધાની કમર તૂટી છતાં કડક ઊઘરાણી : ટ્રેડર્સ ફેડરેશન દ્વારા ધામધમકી આપી ઊઘરાણી કરતા રિકવરી એજન્ટના મુદ્દે પગલાં લેવા ગૃહમંત્રીને જણાવાયું

અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી બેંક તથા પ્રાઇવેટ ફાઇનાન્સ એજન્સીઓ દ્વારા આપેલ લોનની વસુલાત માટે નિયુક્ત કરાયેલા રિકવરી એજન્ટો ગુંડાગીરી કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. લોન લેનારા ગ્રાહકો પાસેથી વસૂલી માટે ધાક-ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે જે મુદ્દે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે આવા એજન્ટો ઉપર યોગ્ય અંકુશ રાખવા માટે માગણી કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે સરકાર મુદ્દે કોઈ પગલા લે છે કે કેમ?

તાજેતરમાં સરકાર દ્વારા વેપારીઓ તથા સામાન્ય લોકોને રંજાડતા ગુંડા તત્ત્વો સામે કડક હાથે પગલાં લેવા માટે અને વ્યાજખોરો સામે કડકાઇ કરવા માટેનો કાયદો કડક બનાવાયો છે, ત્યારે વેપારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો ઊઠી રહી છે કે કોરોનાની મહામારી ને લઈને લાંબા સમય સુધી વ્યાપાર ઉદ્યોગ, ધંધા બંધ રહ્યા હતા.

કામ ધંધો બંધ રહ્યો હોવાને કારણે વેપારીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. હવે આવી પરિસ્થિતિમાં ઘણા વ્યાપારીઓએ હોમ લોન, કાર લોન, પર્સનલ લોન કે અન્ય પ્રકારની લોન લીધી હોય અને તેના હપ્તા સમયસર ભરી શક્યા ના હોય ત્યારે તેમનો પનારો માથાભારે રિકવરી એજન્ટો અને તેમના માણસો સાથે પડતો હોય છે. બેંકો તથા પ્રાઇવેટ ફાઇનાન્સ કરતી એજન્સીઓ લોનના હપ્તાની વસુલાત માટે માથાભારે અને સ્થાનિક વિસ્તારમાં જેની ધાક હોય તેવા માણસોને રિકવરી એજન્ટ તરીકે હાયર કરતી હોય છે. હવે રિકવરી એજન્ટો લોનના હપ્તાની વસુલાત માટે જે પણ લોન ધારકના ઘર કે ઓફિસ પહોંચી જતા હોય છે અને દાદાગીરી કરતા હોય છે. ઘણા કિસ્સાઓમાં તો તેમના ત્રાસથી માણસો પોતાના ઘર કે ઓફિસ છોડીને અન્ય સ્થળે જતા રહેતા હોય હોવાનું પણ જાણવા મળ્યું છે. આવી પરિસ્થિતિને લઇને વેપારીઓ ખુબજ પરેશાન થઈ રહ્યા છે. માટે ગુજરાત ટ્રેડર્સ  ફેડરેશન દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે તમામ બેક્નો કે ફાઇનાન્સ કરતી એજન્સીઓ પોતાના રિકવરી એજન્ટની યાદી સ્થાનિક પોલીસને સોંપે સાથે સાથે તેમના ગુનાહિત ઈતિહાસની વિગતો પણ પોલીસને આપે. ઉપરાંત જ્યારે પણ રિકવરી એજન્ટ કોઈ લોન ધારક પાસે રિકવરી અંગેની વાત કરે કે હપ્તાની ઉઘરાણી માટે સંપર્ક કરે ત્યારે સ્થાનિક પોલીસને જાણ કરી ને તે પ્રક્રિયા પૂર્ણ કરે તથા જો શક્ય હોય તો પોલીસની હાજરીમાં લોન અંગેની ચર્ચા વિચારણા કરે જેને લઇને લોન ધારકને સલામતીનો વિશ્વાસ થાય. માગણીનો સરકાર દ્વારા તાકીદે અમલ થાય તે માટે પણ વેપારીઓ દ્વારા ગૃહમંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે.

(7:23 pm IST)