Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

નડિયાદમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડી મુસાફરના સ્વાંગમાં રોકડ સહીત દાગીના તફડાવતી ટોળકીના ત્રણ સભ્યો પોલીસના સકંજામાં

ખેડા: તેમજ આણંદ જિલ્લામાં પેસેન્જરોને રીક્ષામાં બેસાડી તેમની પાસેથી રોકડ, મોબાઇલ તેમજ ઘરેણાની તફડંચી કરતા ત્રણ શખ્સોને ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ઘરી છે.

ખેડા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન તેઓને માહિતી મળી હતી કે એક ટોળીના ત્રણ ઇસમો પોતાની રિક્ષામાં ઉમરલાયક પેસેન્જરોને બેસાડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની પેસેન્જરોની નજર ચુકવી ઉઠાંતરી કરી ચોરી કરવાવાળા નડીયાદ શહેરમાં આવેલા છે. જેથી આ ઇસમો શહેરમાં અન્ય કોઇ ગુનાને અંજામ આપે તે પહેલા જ એલસીબી પોલીસની ટીમ એલર્ટ થઇ ગઇ હતી, અને મિલરોડ વિસ્તારમાં સુભાષનગર પાસે તપાસ કરતા ત્રણ ઇસમો મળી આવ્યા હતા. જેમના નામઠામ પુછતાં રાજેશભાઇ ઉર્ફે ટળી દયારામ ડાહ્યાભાઇ પરમાર (દેવીપૂજક) (રહે. મુળ રાજકોટ હાલ રહે. મહેમદાવાદ રેલવે સ્ટેશન સામે જીઇબીની પાસેના છાપરામાં),રવીભાઇ રાજુભાઇ દંતાણી (રહે. ડાકોર શેઢી નદીના ખાડામાં) તેમજ જીતેન્દ્રભાઇ દિપાભાઇ વાઘેલા (રહે. રોયકા, ધોળકા ચોકડીનાઓ હોવાનું જણાવ્યું હતુ. પોલીસે એક મોટર સાઇકલ કિ.રૂ.૭૦ હજાર તથા સી.એન.જી રીક્ષા નં.જીજે.૨૭.ડબલ્યુ.૫૮૭૭ કિ.રૂ.૭૦ હજાર તથા રોકડ રૂ.૨૬,૫૫૦ મોબાઇલ પોન નંગ-૪ કિ.રૂ.૨૫૦૦ મળી કુલ ૧,૬૯,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ત્રણેય ઝડપાયેલા ઇસમોની પૂછપરછ કરતા ત્રણેય શક્સોએ છેલ્લા ૧૫ દિવસમાં રાજકોટમાં ૩, અમદાવાદમાં ૨, આણંદ વાસદમાં ૧ તથા વડોદરામાં ૨ મળી કુલ ૮ જગ્યાઓએ પેસેન્જરોને બેસાડી તેઓના ઘરેણા તથા રોકડ રકમની તફડંચી કરી હોવાની કબુલાત કરી હતી.

(5:40 pm IST)