Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

મોડાસાની મહિલાના ખાતામાંથી ભેજાબાજે 20 હજારની રકમ ઉપાડી લેતા ગુનો દાખલ

મોડાસા:ખાતેની બેંક ઓફ બરોડામાં ખાતું ધરાવતી એક મહિલાને ગુડગાંવથી કોઈ ગઠીયાએ ફોન કરી યેનકેન પ્રકારે વાતોમાં ભોળવી આ મહિલાના બેંક એકાઉન્ટનો ઓટીપી નંબર મેળવી ખાતામાં થી રૃ.૨૦ હજારની મોટી રકમ ઉપાડી લેતાં જ ચકચાર મચી હતી. બેંક ખાતેદારોને ચેતવણીરૃપ આ કિસ્સામાં જવાબદારોએ કોઈ મદદ પૂરી નહી પાડી હાથ ઉંચા કરતા આ ગ્રાહક અને પરિવારમાં કચવાટ પ્રસર્યો હતો. ટેકનોલોજી ભરેલા આ આદ્યુનિક યુગમાં જેટલી સવલત વધતી જાય છે. તેટલા છીંડા ઉભા કરી ગુનાખોરી વૃત્તિ ધરાવતા લોકો દ્વારા યેનકેન પ્રકારે લોકોને છેતરી સાઈબર ક્રાઈમના ગુના ઓ આચરવામાં વધારો જોવા મળી રહયો છે.

મોડાસાના લઘુમતી વિસ્તારમાં રહેતા શબનમ બહેન બેંક ઓફ બરોડામાં સેવિગ્સ ખાતું ધરાવે છે. આ મહિલા ઉપર યસ બેંક ગુડગાંવથી બેક અધિકારી બોલું છું. એવા નામે ગત ગુરૂવારે ફોન આવ્યો હતો. અને છેતરામણી વાકછટા ધરાવતા આ કહેવાતા અધિકારીએ આ મહિલાને તમારૂ એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે.

બેંકના ખાતામાં રહેતા પૈસા ફસાઈ જશે એવી ચીમકી ભરી અને લલચામણી વાતોમાં આ મહિલાને ભોળવી યેનકેન પ્રકારે એટીએમ ખાતાનો ઓટીપી નંબર મેળવી આ મહિલા શબનમબેનના ખાતામાંથી રૂ.૨૦ હજાર તફડાવી લીધા હતા.

(5:39 pm IST)