Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કૃષિ વિષયક નવા કાયદાઓથી ખેડૂતોનું આર્થિક શોષણ બંધ થશે : ગમે ત્યાં જણસ વેચવાની આઝાદી

રાજકોટ : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીજીની આગેવાની હેઠળ જયારથી સરકાર રચાઈ છે ત્યારથી Reform, Perform & Transformના મંત્ર સાથે બુનિયાદી ઢાંચામાં ફેરફાર કરી નવા ભારતનાં નિર્માણ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. 'ગામ, ગરીબ અને કિસાનનો વિકાસ'એ મંત્ર હંમેશા કેન્દ્રમાં રહ્યો છે. 'આત્મનિર્ભર ભારત'નું વિઝન પણ આ પ્રક્રિયાનો ભાગ છે. તમામ ક્ષેત્ર આત્મનિર્ભર બને, તમામ વ્યકિત આત્મનિર્ભર બને તે માટે આયોજનબદ્ઘ પગલાં લેવાય રહ્યા છે. ખેડૂત અને ખેતી બંને આત્મનિર્ભર બને તે માટે તાજેતરમાં રૂ.૧,૫૦,૦૦૦ કરોડનું આર્થીક પેકેજ  કૃષિ માટે ફાળવેલ છે.

આઝાદી પછી ખેડૂતોના હિતોને રક્ષણ આપવા માટે 'એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી (APMC)' બનાવવા કાયદો બનાવેલ, સમય જતાં આ કાયદાથી ઘણા દુષણો ઉભા થઇ ગયા. સ્થાનિક વેપારીઓની મોનોપોલી અને કાર્ટેલિંગ, ખેડૂતને જણસ વેચવાની આઝાદીનો અભાવ, વચેટિયારાજ, લાયસન્સરાજ, ઇન્સ્પેકટરરાજ અને ભ્રષ્ટાચારનાં દુષણોથી ખેડૂતોનો વિકાસ રૃંધાયો છે.

સ્ટેન્ડીંગ કમિટી ઓન એગ્રીકલ્ચર દ્વારા તેના વર્ષ ૨૦૧૮-૧૯નાં રીપોર્ટમાં APMC કાયદાની ખામી દર્શાવતા જણાવેલ છે કે આ કાયદો યોગ્ય રીતે લાગુ થયેલ નથી, અને તાત્કાલિક સુધારવાની જરૂર છે. જે ભૂલો દર્શાવેલ તેમાં,

૧) મોટાભાગની મંડીમાં ખુબ જ ઓછા વેપારીઓ છે, જેઓમાં કાર્ટેલીંગ પ્રવર્તે છે તથા હરિફાઈનો અભાવ છે.

૨) ખેડૂતોના ઉપજના નાણામાંથી બિન જરૂરી કમિશન કાપવામાં આવે છે.

૩) વેપારીઓ, કમીશન એજન્ટ વિગેરેમાં સમજૂતી પ્રવર્તી રહી છે, જેથી હરિફાઈ થતી નથી.

૪) એકથી વધુ વેચાણ લાઈન ઉભી ન થતી હોઈ ખેડૂત પાસે વિકલ્પ નથી. વિગેરે વિગેરે.

આ ઉપરાંત સ્વામિનાથન રિપોર્ટમાં પણ દર્શાવેલ દેશનાં ૮૬% નાના અને સીમાંત ખેડૂતો APMC મંડીમાં પોતાની ખેત પેદાશ વેચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. દેશમાં ૪૯૬ ચો.કી.મી.એ એક APMC મંડી છે, જયારે તે ૮૦ ચો.કી.મી.એ હોવી જોઈએ. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ એ પણ 'વન નેશન, વન માર્કેટ'વિભાવનાની વાત કરેલ અને ખેડૂતોને પોતાની જણસ વેચવાની આઝાદી આપવા કહેલ. શેતકરી સંગઠનના સ્થાપક અને દેશનાં જાણીતા ખેડૂત નેતા શરદ જોષી એ પણ કહ્યું હતું કે ખેડૂત વેપારીનાં એકાધિકાર પર નિર્ભર છે, જેનું કારણ મંડીપ્રથા છે. ખેડૂતને આંતરરાષ્ટ્રીય હરિફાઇ કરવાનું કહીએ છીએ પરંતુ તેઓ APMC સીસ્ટમની સાંકળથી બંધાયેલ છે. APMC કાયદો ખતમ કરીને દેશનાં ખેડૂતોને આઝાદ કરી દેવા જોઈએ.

નેશનલ કમીશન ઓફ ફામર્સ એ વર્ષ ૨૦૦૬ માં ભલામણ કરેલ કે પ્રાઈવેટ મંડી ખોલો, મંડીટેક્ષ હટાવો, આંતરરાષ્ટ્રીય હરિફાઇ ઉભી કરો, મંડી પ્રણાલીમાં પારદર્શકતા નથી તે લાવો વિગેરે.

ઉકત તમામ સમસ્યાનો અંત લાવવા, ખેડૂતોને પાક વેચવામાં આઝાદી આપવા, પારદર્શક હરિફાઇ ઉભી કરવા, ખેડૂતોને ઘર બેઠા માલ વેચી શકે તથા ઓનલાઈન માલ વેચી શકે તેવું વાતાવરણ આપવા મોદી સરકારે 'ધી ફાર્મસ'પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસીલીટેશન) એકટ-૨૦૨૦ બનાવવામાં આવેલ છે. ખેડૂત હવે દેશમાં ગમે ત્યાં અને ગમે તેને માલ વેચી શકશે. માર્કેટયાર્ડના એકાધીકારનો અંત આવશે, પ્રાઈવેટ લોકો પણ કામ કરી શકશે, પારદર્શિતાથી કામ થશે અને સૌથી અગત્યનું હવે જો ખેડૂત APMC મંડી બહાર માલ વેચશે તો અત્યારે જે ૨% થી ૮.૫% સુધી કમિશન દેવું  પડે છે તે ચુકવવું નહિ પડે.

આ કાયદા અંગે અમુક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે કે MSP નો અંત આવશે. આ કાયદાથી MSP કે હયાત APMC બંને માંથી કોઈનો અંત આવવાનો નથી. આ કાયદાથી દેશના ખેડૂતોને આઝાદી આપી છે કે તેઓ મંડી કે મંડી બહાર દેશનાં કોઈ પણ ખૂણે તેની ઉપજ વેચી શકે. ઈ-નામ જેવા ઓન લાઈન પ્લેટફોર્મ પર ઉપજ વેચી શકે.

આ તબક્કે એ પણ યાદ કરવું જોઈએ કે સ્વામિનાથન કમિટીની ભલામણ મુજબ ૧૫૦% MSP આપવાનો અમલ મોદી સરકારે કર્યો છે, અને કાયમી અમલ ચાલુ રહેવાનો છે. વર્ષ ૨૦૦૯-૧૪ દરમિયાન સરકારે કુલ ૩,૭૭,૧૦૫ કરોડની ખેતપેદાશો ખરીદ કરેલ જેની સામે મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૮,૬૬,૦૦૦ કરોડની ખેતપેદાશો ખરીદ કરેલ છે. કિસાનોને અપાતી વિવિધ સહાય, ખેતીનું બજેટ તથા ગ્રામિક માળખાકીય સુવિધા માટે અનેક ગણો વધારો કરેલ છે. ખેડૂતોનો વિકાસએ અંતિમ ધ્યેય સાથે કામ થઇ રહ્યું છે.

આવા જ એક અન્ય કાયદા 'ધી ફાર્મસ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એકટ'નું ગઠન કરવામાં આવ્યું છે, જેથી ખેડૂત પોતાનાં ખેત ઉત્પાદન અંગે ખરીદનાર સાથે વાવણી પહેલા જ ભાવ નિયત કરી વેચાણ કરાર કરીને ઉત્પાદન કરી શકે છે. જેથી કરાર મુજબનાં ભાવ મળે. જેથી ખેડૂતને ચોક્કસ આવક મળે. આ કાયદો પણ સંપૂર્ણ ખેડૂત તરફી છે, જેમકે કરાર ભાવથી માર્કેટ ભાવ ઉચા રહે તો તેમાંથી પણ ખેડૂતને ભાગ મળે. જો ખેડૂત વાવેતર ન કરે તો, કરાર હેઠળ ખેડૂતને વાવેતર ખર્ચ પેટે મળેલ રકમ જ પરત કરવાની છે, પરંતુ જો વાવેતર કરાવનાર ચૂક કરે તો પાકની કિંમત જેટલું વળતર ચુકવવું પડે. ખેડૂતની જમીનનાં હક અંગે કોઈ કરાર ન થઈ શકે. તકરાર નિવારણ માટે SDMને સત્તા, જેવી અનેક વિશાળ જોગવાઇઓથી ખેડૂતોનાં હકોનું રક્ષણ કરેલ છે.

આ ઉપરાંત વર્ષો જુના એસેન્શીયલ કોમોડીટી એકટમાં સુધારો કરી સ્ટોક લીમીટની જોગવાઈ રદ કરીને ખેડૂતને આઝાદી આપેલ છે કે તેઓને ઉચિત ભાવ મળે ત્યારે ઉપજ વેચી શકે.

આમ, ખેડૂતને આર્થિક આઝાદી આપવા ત્રણ કાયદાનાં ગઠનથી 'આત્મનિર્ભર ભારત'અને 'આત્મનિર્ભર કિસાન'નાં શ્રી ગણેશ કર્યા છે. આ કાયદાઓ દેશનાં ખેડૂતો જે વર્ષોથી અનેક બેડીઓથી ઝકડાયેલા હતાં તેઓ આ કાયદાઓથી મુકત થશે. જયજવાન.. જય કિશાન ..

મનસુખ માંડવિયા

કેન્દ્રીય મંત્રી

મો. ૯૪૨૬૨ ૧૧૬૭૦

(3:38 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST

  • " સપનોકા સૌદાગર " : કોંગ્રેસ આગેવાન દિગ્વિજય સિંહે શ્રી નરેન્દ્ર મોદીને આપી ઉપમા : લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા બધું અગાઉથી નક્કી જ હોય છે : કોરોનાનો કહેર વધ્યો તો સુશાંત સુશાંત : ચીને જવાનોને માર્યા તો રિયા રિયા : જીડીપી 23 ટકા તો કંગના કંગના : કિસાનો સડક ઉપર તો દીપિકા દીપિકા : એટલે જ તો " સપનોકા સૌદાગર " access_time 12:20 pm IST

  • દિલ્હીના 2 કરોડ નાગરિકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ : હવેથી 24 કલાક પાણી મળશે : પાણી વિતરણ માટે બાબા આદમના વખતની ટેક્નોલોજીના સ્થાને અદ્યતન ટેક્નોલોજી અમલી બનાવાશે : પાણીની પાઈપ લાઈન ખોલવા માટે હેન્ડલ ઘુમાવવાને બદલે સેન્ટ્રલાઈઝડ સિસ્ટમ લાગુ કરાશે : કર્મચારી ઓફિસમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામગીરી સંભાળશે access_time 12:35 pm IST