Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

વિકાસના નામે ખેતીની જમીન સાથે હવે મકાન પણ જશે?

મુંબઈ એકસપ્રેસ વેમાં વચ્ચે આવતા મકાન અંગે કોઈ જ વળતરનો ઉલ્લેખ ન થતા ખેડૂતોમાં ચિંતા

અમદાવાદ : ચીખલી તાલુકામાં વડોદરા – મુંબઇ એકસપ્રેસ વેમાં ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે જાહેર કરાયેલી નીતિમાં મોટેભાગના કિસ્સામાં મકાનના વળતર અંગેનો કોઇ ઉલ્લેખ નહિ કરાતા મકાન ગુમાવનારા ખેડૂતોની ચિંતા વધવા પામી છે સાથે અવઢવની સ્થિતિમાં મુકાયા છે. તાલુકાના સૂંઠવાડ, દેગામ, આલીપોર, સાદકપોર, તલાવચોરા, મલિયાધરા, દ્યેજ, ચરા, સહિતના ગામોમાંથી પસાર થનારા વડોદરા મુંબઇ એક્ષપ્રેસ-વે માટે ખેડૂતોને જમીન સંપાદન માટે જમીન સંપાદનના સક્ષમ અધિકારી દ્વારા એવોર્ડ જાહેર કરી વળતર અંગેની નોટીસ દોઢેક માસ પૂર્વે જ આપી દેવામાં આવી હતી. પરંતુ કેટલાય ખેડૂતોને જમીન સાથે ઘર પણ જઇ રહ્યું હોવા છતાં વળતર અંગેની નોટીસ સાથેની વિગતમાં દ્યરનો કોઇ ઉલ્લેખ કરાયો નથી. આ ઉપરાંત ખેડૂતોના બોર કૂવા પાઇપલાઇન વિગેરેના પણ ગણતરી જ કરાઇ નથી.

ખેડૂતો મહામહેનતે પરસેવાની કમાણીથી બનાવેલું મકાન અને મરણમૂડી સમાન મકાન જો જાય તો ખેડૂતોનું છત્ર કોણ પાછું અપાવશે! ઉપરાંત પોતાની ખેતીવાડીના વિકાસ માટે પણ બોર, કૂવા, પાઇપલાઇન વિગેરેમાં પણ ખર્ચ ખેડૂતોને થાય છે. એક તરફ ખેડૂતો બજાર કિંમતની ચારગણી રકમ ચુકવાઇ તેવો આશાવાદ વ્યકત કરી રહ્યા છે તો બીજી તરફ એવોર્ડ જાહેર થયાને દોઢેક માસ વીતવા છતા મકાન બોર, કૂવા વિગેરેના વળતર અંગે તંત્ર દ્વારા કોઇ જાહેરાત કરાઇ નથી કે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જમીનના બજાર કિંમતના ચાર ગણા વળતરની વાત તો દૂર જેમના મકાન હોમાવાના છે તેનો મહત્ત્।મ કિસ્સામાં વળતર અંગેના કોઇ ઠેકાણા નથી. આ ઉપરાંત ખેડૂતોના આંબા, ચીકુના ફળાઉ ઝાડોનું પણ હજારોની સંખ્યામાં નિકંદન થનાર છે. તેમાં પણ નજીવું વળતર જાહેર થયું હોવાનો ગણગણાટ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.

કોઇપણ વ્યકિત માટે રોટી,કપડાં, અને મકાન પાયાની જરૂરિયાત હોય છે તેવામાં જીવનભરની મૂડી ખર્ચી તૈયાર કરાયેલા સ્વપ્નનું દ્યર ગુમાવવું પડે તો તેની સામે બીજા દ્યરની પણ વ્યવસ્થા કરવી અનિવાર્ય હોય છે. કેટલાક કિસ્સામાં તો સર્વે દરમ્યાન એજન્સીનો સ્ટાફ ઘર મિલકતના ફોટોગ્રાફ પણ લઇ ગયા હતા. પરંતુ તેમ છતાં પણ તેના વળતર અંગેનો કોઇ ઉલ્લેખ કરાયો નથી. ત્યારે તંત્ર જડ વલણ છોડી મકાન સહિત તમામનું યોગ્ય વળતર ચૂકવાની દિશામાં પણ કાર્યવાહી કરે તે જરૂરી છે.

નવસારીના પ્રાંત અને સક્ષમ અધિકારીના જણાવ્યાનુસાર એજન્સીનો સ્ટાફ સર્વે માટે ગયો હતો. ત્યારે કેટલીક જગ્યાએ વિરોધ થયો હતો. તેમ છતા જેમના મકાનનું વળતર નહિ મળ્યું હોય તેઓ કચેરીનો સંપર્ક કરી શકે છે આ અંગે ઉપલીકક્ષાએ જાણ કરી આગળની કાર્યવાહી કરાશે. હકીકતે જયારે વળતર મળે ત્યારે વાત સાચી ઠરે બાકી તો કેટલાય સપના આ ખેડૂતોને સરકારે બતાવ્યા છે!

(2:59 pm IST)