Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સીએજીના રિપોર્ટમાં દાવો

પીવા અને રસોઇ બનાવવા માટે દૂષિત પાણીનો ઉપયોગ કરી રહ્યા છે લોકો

અમદાવાદ તા. ૨૬ : રાજય સરકારે ૨૦૧૩-૧૪ અને ૨૦૧૭-૧૮ની વચ્ચે ૬.૩૦ લાખ પાણીના સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું હતું અને તેમાંથી ૧૮.૩% પીવાલાયક ન હોવાનું સામે આવ્યું હતું. કુલ સેમ્પલમાંથી ૪.૩%માં વધારે ફલોરાઈડ, ૧૧.૯%માં વધારે નાઈટ્રેટ અને ૩.૦૬%માં વધારે TDS હતું.

માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થતાં વર્ષના રિપોર્ટમાં CAGએ જણાવ્યું હતું કે, વેરિફિકેશન ડ્રાઈવ દરમિયાન ૭૮ આવાસોની તપાસ કરવામાં આવી હતી અને પાણીના ૧૮૮ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૫૪ પાણીના સેમ્પલ પીવાલાયક ન હોવાની જાણ થઈ હતી, કારણ કે તેમાં કેમિકલ ભળેલું હતું. ૧૮૮ સેમ્લમાંથી ૪૦ સેમ્પલ રૂરલ વોટલ સપ્લાય સ્કિમમાં લેવામાં આવ્યા હતા, જેમાંથી ૮ દૂષિત હોવાનું સામે આવ્યું હતું.

રિપોર્ટમાં જણાવાયું છે કે, ૫૪ અયોગ્ય સેમ્પલમાંથી ૪૧માં ફલોરાઈડ અને નાઈટ્રેટનું પ્રમાણ છૂટની મર્યાદા કરતા વધુ હતું. તેમ છતાં પીવા અને રસોઈ બનાવવા માટે દૂષિત પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ વિસ્તારના લોકો પાસે વૈકલ્પિક  સ્ત્રોત નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૬.૩૦ લાખ ટેસ્ટિંગ કરાયેલા સેમ્પલમાંથી જેમાં નાઈટ્રેટનું પ્રમાણ વધારે હતું તે છોટા ઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ અને વડોદરામાંથી આવ્યા હતા. જયારે જે સેમ્પલમાં ફલોરાઈડનું પ્રમાણ વધારે હતું તે છોટા ઉદેપુર, દાહોદ, બનાસકાંઠા અને ખેડામાંથી આવ્યા હતા.

રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, ગ્રામ પંચાયત સહિતના અધિકારીઓને લેબોરેટરીએ ચિંતિત પરિણામો અંગે જણાવ્યું હતું. ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ તેમજ WASMOએ (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન) ગ્રામ પંચાયતોને દૂષિત પાણીના ઉપયોગથી સ્વાસ્થ્યને થતાં નુકસાન વિશે જણાવવાની જરૂર હતી. તેઓ પણ પાણીના અસુરક્ષિત  સ્ત્રોત માટે જવાબદાર હતા.

ગુજરાત સરકારે કહ્યું હતું કે, રાજયમાં ૩૬ હજાર આવાસો સંપૂર્ણ રીતે પાણી પુરવઠાથી આવરી લેવામાં આવ્યા છે. જો કે, CAGનું કહેવું છે કે આ દાવો સાચો નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૮ જિલ્લામાં ૯૧ રૂરલ વોટર સપ્લાય સ્કિમ હેઠળ આવરી લેવામાં આવેલા ૨૪૦૦ ગામડાઓમાંથી ફકત ૧૬૦૦ને જ પાણી મળી રહ્યું છે.

નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ (NRDWP)માં નક્કી કરવામાં આવ્યું હતું કે, ૨૦૧૭ સુધીમાં દરેક સરકારી શાળામાં પીવાલાયક પાણીની સુવિધા હશે. પરંતુ ફંડના અભાવે ૫૩૫ સ્કૂલોમાં હજુ કામ જ શરૂ કરાયું નથી.

CAGના સોશિયલ સેકટરના રિપોર્ટમાં જણાવાયું છે કે, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશને (WASMO)૨૦૧૮-૧૬માં ૩ હજાર શાળાઓમાં સર્વે હાથ ધર્યો હતો, જેમાં સામે આવ્યું કે ૨ હજાર શાળાઓમાં પીવાના પાણી માટે ચોક્કસ સ્ત્રોત નથી. પીવાના પાણી માટે ૨૦૧૫થી ૨૦૧૭ની વચ્ચે ૧૨ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું હતું.

(1:07 pm IST)