Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

બાયો-ડિઝલના વેપારને ડામી દેવાનો નિર્ણય

હજુ ર૯મીનું 'નો-પરચેઝ'નું એલાન પાછુ ખેંચાયું નથીઃ ગાંધીનગરની બેઠકમાં નક્કી થયું: ઉચ્ચ અધિકારીઓની સોમવારે મીટીંગ બોલાવતા મુખ્યમંત્રીઃ કલેકટરોને અપાશે સુચના

રાજકોટ, તા., ર૬: રાજયમાં ગેરકાયદે  વેચાતા બાયો-ડીઝલના નામે ઝેરી કેમીકલ્સના  વેપારને કડક હાથે ડામી દેવા ગાંધીનગર ખાતે ગઇકાલે મળેલ હાઇ-લેવલ મીટીંગમાં નક્કી થયું હોવાનું ફેડરેશનના પ્રમુખ અરવિંદભાઇ ઠક્કરે જણાવ્યું છે. જો કે ફેડરેશન દ્વારા ર૯ તારીખે 'નો પરચેઝ'નું એલાન હજુ પરત લેવામાં આવ્યું નથી.

રાજયમાં વેચાતા ગેરકાયદે બાયો-ડીઝલના વેપાર સામે પગલા લેવા અનેક વખત રજુઆતો કર્યા બાદ પણ સરકાર દ્વારા યોગ્ય પગલા નહી લેવાતા ફેડરેશન દ્વારા એલાને જંગ કરવામાં આવ્યો હતો.

આ અનુસંધાને ગઇકાલે ગાંધીનગર ખાતે હાઇ લેવલની મીટીંગ મળી હતી. જેમાં  ત્રણેય ઓઇલ કંપની, ગૃહ વિભાગ, ફોરેન્સીક વિભાગ, વેટ વિભાગ તથા ફેડરેશનના હોદેદારો વચ્ચે આ અંગે ચર્ચાઓ થઇ હતી.

આ મીટીંગમાં બાયો-ડીઝલના વેચાણથી રાજય સરકારને રોજે કરોડોની ટેકસની આવક ગુમાવવી પડે છે. તેમજ વાતાવરણ પણ ખુબ જ પ્રદુષીત થતુ હોય તથા પેટ્રોલ પંપ સંચાલકોને પડતી મુશ્કેલી સામે ગેરકાયદે વેચાણ બંધ કરાવવા કલેકટરોને સુચના આપવામાં આવશે તેવું નક્કી થયું હોવાનું અરવિંદભાઇ ઠક્કરે જણાવ્યું હતું.

આ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ સોમવારે ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બોલાવી છે.

જો કે હાલ ફેડરેશન દ્વારા આગામી ર૯ તારીખે 'નો પરચેઝ'નું એલાન કર્યુ છે તે હજુ પાછુ નથી ખેંચ્યું.

(11:28 am IST)