Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

હાલોલ પાસે તળાવમાં ડૂબી જવાથી બે ભાઈઓના મોત

તળાવમાં ડૂબતી ભેંસને બચાવવા જતાં બંને ડુબ્યા : ફાયર બ્રિગેડની ટીમે બંને પિતરાઇ ભાઇના મૃતદેહ બહાર કાઢ્યા : બંને ભાઇના મોતને પગલે ગામમાં શોકનો માતમ

અમદાવાદ, તા.૨૬ : પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અભેટવા ગામની સીમમાં તળાવમાં ડૂબતી ભેંસને બચાવવા જતા બે પિતરાઇ ભાઇઓના ડૂબી જતા મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે અભેટવા ગામમાં શોકનો માતમ પથરાઇ ગયો હતો. બંનેના મૃતદેહનું પોલીસે હાલોલ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે બે કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.હાલોલ નજીક આવેલા અભેટવા ગામમાં રહેતા બે પિતરાઇ ભાઇઓ ધર્મેન્દ્રસિંહ વખતસિંહ પરમાર(ઉ.વ.૨૦) અને વિક્રમસિંહ અર્જુનસિંહ પરમાર(ઉ.વ.૩૦) ભેંસો ચરાવવા માટે સીમમાં નીકળ્યા હતા. આ વખતે ભેંસો તળાવમાં પડતા એક ભેંસ ડૂબવા લાગી હતી. જેથી બંને પિતરાઇ ભાઇઓ ભેંસને બચાવવા માટે તળાવમાં પડ્યા હતા.

                    જો કે, ચાલુ સિઝનમાં ભારે વરસાદને કારણે તળાવ સંપૂર્ણપણે ભરાઇ ગયું હોવાથી બંને ભાઇઓ તળાવમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અભેટવા ગામના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે બંને પિતરાઇ ભાઇઓની શોધખોળ હાથ ધરી હતી. બે કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહો ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં હાલોલ રૂરલ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. બંને પિતરાઇ ભાઇઓના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બંને મૃતકો પૈકી વિક્રમસિંહ પરમાર પરિણિત છે અને તેમને સંતાનોમાં બે પુત્રી અને પુત્ર છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ પરમાર અપરિણીત છે. અભેટવા ગામના બે યુવાનોના મોતને પગલે ગામમાં અરેરાટી પ્રસરી ગઇ હતી, તો પરિવારમાં શોકનો માતમ છવાયો હતો.

(8:18 pm IST)