Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

નવરાત્રીના શરૂઆતના દિવસોમાં વરસાદ પડશેઃ પાંચમા નોરતાથી વરસાદનું જોર ઘટશેઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદ :રાજ્યમાં હાલ સર્વત્ર વરસાદી માહોલ છે. હજી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમા વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને કારણે ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. ત્યારે હવે આ સીઝનના વરસાદ પર બ્રેક લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન ખાતાએ આપેલા લેટેસ્ટ અપડેટ મુજબ, 3 ઓક્ટોબર બાદ રાજ્યમાંથી ચોમાસાની વિદાયના ચિન્હો જોવા મળી રહ્યાં છે.

હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. જેને કારણે આગામી 3 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 3 ઓકટોબર બાદ વરસાદ ઘટી જશે. એટલે કે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વરસાદ પડશે. પરંતુ પાંચમા નોરતાથી વરસાદ ઘટી જશે. 3 ઓક્ટોબર બાદ ચોમાસાની વિદાયના ચિહ્નો જોવા મળશે. હાલ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદી ઝાપટાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજ્યમાં 127% વરસાદ નોંધાયો છે.

પાંચમા નોરતા બાદ વરસાદમાં રાત

હાલ રાજ્યભરમાં પડી રહેલા વરસાદને કારણે નવરાત્રિના આયોજકોની મુશ્કેલીઓ વધી છે. ગુજરાતના અનેક શહેરોમાં નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ, હવામાન વિભાગની નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહીથી નવરાત્રી આયોજકો પણ ચિંતિત બન્યા છે. પણ 3 ઓક્ટોબર પરથી હવામાનમાં પલટો જોવા મળવાના સંકેત છે. 3 ઓક્ટોબરે પાંચમું નોરતુ આવે છે. ત્યારે નવરાત્રિના અંતિમ દિવસે ખેલૈયાઓને નિરાશ નહિ થવુ પડે તેવુ લાગે છે.  

(5:56 pm IST)