Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રતનપુરની શાળામાં પ્લાસ્ટિક મુક્ત ભારતને સ્વપ્ન સાકાર કરવા ઇંટની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરીને ઓરડાનું બાંધકામ કરાયુ

છોટાઉદેપુર :પ્લાસ્ટિક મુકત ભારતના સ્વપ્નને સાકાર કરવા છોટાઉદેપુર જિલ્લામાં અપનાવાયેલ નવતર અભિગમને વહીવટી તંત્ર અને શાળાના બાળકોએ મળીને કરેલા પ્રયાસને સફળ બનાવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા ભેગી કરાયેલી પ્લાસ્ટિક બોટલનો ઈંટની જગ્યા ઉપયોગ કરી સરકારી કચેરીમાં એક ઓરડાનું બાંધકામ કરાયું છે. પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનાં પ્રતિક સ્વરૂપે પ્લાસ્ટિક હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવાના પ્રયાસના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્રએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ ક્યારેય નાશ ના થતા એવા ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકને ઉપયોગમાં લઈ પાવીજેતપુર તાલુકા સેવાદન કચેરીના કેમ્પસમાં ઈંટની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી એક ઓરડાનું નિર્માણ કરાવ્યું છે. ઓરડાના બાંધકામમાં જરૂરી પ્લાસ્ટિકની બોટલો ભેગી કરવામાં આવી હતી. 

પાવીજેતપુરમાં "ફિલ ધ બોટલ ચેલેન્જ" નામની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક પ્રદૂષણથી થતા પર્યાવરણના નુકશાન અંગે માહિતગાર કરાયા હતા. તેમજ પ્રદૂષણ અટકાવવા ફિલ ધ બોટલ ચેલેન્જ સ્પર્ધામાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ સહર્ષ ભાગ લીધો અને પોતાના ઘર અને ગામમાં પોતાની આસપાસના પ્લાસ્ટિકના કચરાને પ્લાસ્ટિકની ફેંકી દેવાયેલી બોટલોમાં ભરીને તંત્રને સોંપી હતી. જેનો ઉપયોગ ઈંટની જગ્યાએ કરાય હતો. અને આમ, પાવીજેતપુર તાલુકા સેવા સદન ખાતે એક ઓરડાનું બાંધકામ શરુ કરાયું. શૈક્ષણિક રીતે પછાત એવા છોટાઉદેપુર જિલ્લાના શાળાના બાળકોનું આ અભિયાન શિક્ષિત અને સભ્ય સમાજ માટે પ્રેરણા સ્વરૂપ બન્યું છે.

પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંર્તગત પ્લાસ્ટિકનાં કચરાનો અને નકામી પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી પાવીજેતપુર તાલુકા સેવાસદનના ગેટ પાસે એક સિક્યુરિટી કેબિન તરીકે એક પ્લાસ્ટિક હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 8000 જેટલી પ્લાસ્ટિકની બોટલો અને 500 કિલો જેટલું પ્લાસ્ટિક વાપરવામાં આવ્યુ છે. ફિલ ધ બોટલ ચેલેન્જથી બાળકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતતાની સાથે પોતે કરેલા અભિયાનને સફળ થતા જોઈ વિદ્યાર્થીઓમાં એક નવી ચેતનાનો સંચાર થયો છે. અને જિલ્લાની અન્ય શાળાઓના બાળકો આ અભિયાનનો વ્યાપ વધારી રહ્યા છે. પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનમાં સહભાગી બનવા અવનવા પ્રયાસો કરી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાની ધન્ધોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકની નકામી બોટલોનો ઉપયોગ કરી વર્ટીકલ ગાર્ડન બનાવવાનો પ્રયાસ કર્યો છે.

પ્લાસ્ટિક મુક્ત ભારતનાં સ્વપ્નને સાકાર કરવા છોટાઉદેપુરનાં નવ યુવાન પ્રાંત અધિકારી મયુર પરમારે નવી પેઢીમાં પ્લાસ્ટિક પ્રદૂષણને લઇ જાગૃતિ લાવવાના હેતુસર આ અભિગમને જીલ્લા કલેકટર સમક્ષ મૂક્યો. જેને જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ આગળ વધાર્યું અને પ્લાસ્ટિકમુક્ત ભારત અભિયાનના પ્રતિક સમાન પ્લાસ્ટિક હાઉસનું નિર્માણ કર્યું. સાથે જ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન હેઠળ પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવવા જિલ્લાવાસીઓને સહભાગી બનવા અપીલ પણ કરી. 

(5:53 pm IST)