Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

રાધનપુર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવશેઃ અલ્પેશ ઠાકોરના પક્ષપલ્ટા બાદ સામાજીક સમીકરણોનું પરિવર્તન

મહેસાણા: રાજ્યમાં 4થી વધુ વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે સૌથી વધુ ચર્ચા રાધનપુર બેઠકની થઈ રહી છે. પ્રદેશ ભાજપ અને પ્રદેશ કોંગ્રેસે બેઠકની રણનીતિ માટે તમામ તાકાત કામે લગાવી દીધી છે. અલ્પેશના પક્ષપલટા બાદ રાધનપુર પંથકમાં સામાજીક સમીકરણોનું જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. બેઠકમાં સૌથી વધુ ઠાકોર મતદારો હોઈ અલ્પેશ સામેનો ઉમેદવાર ચુંટણી પરિણામને સૌથી વધુ અસર કરશે. શંકર ચૌધરીના સમર્થકોની માનસિકતા જોતા ચુંટણી પરિણામો ચોંકાવનારા આવી શકે છે.

રાધનપુર વિધાનસભા બેઠકમાં ભાજપ તરફથી અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસ તરફથી હજુસુધી ઉમેદવાર નક્કી નથી. ચુંટણી પરિણામમાં ઠાકોર મતદારો સૌથી વધુ અસરકર્તા હોવાથી કોંગ્રેસ કોઈપણ સંજોગોમાં કાચુ કાપવા તૈયાર નથી. અલ્પેશ સામે કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ઉતારે તો મતોનુ ધ્રુવિકરણ થતા અને ત્રિપાંખીયા જંગ વચ્ચે જીત લોઢાના ચણા ચાવવા સમાન બની શકે છે. અલ્પેશના પક્ષપલટા બાદ ઠાકોર સેના સમર્થકોમાં બે વિચારસરણી ઉભી થતા ભાજપે ઈતર સમાજ પ્રત્યે મહેનત કામે લગાડી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર વિધાનસભા બેઠક અગાઉ શંકર ચૌધરીનો ગઢ હોઈ અલ્પેશની જીત થાય તો કાયમી ધોરણે ગઢ ધ્વસ્ત થાય તેમ છે. આવી ગણતરીમાં શંકર ચૌધરીના સમર્થકો મૂળ ભાજપી હોવાછતાં રણનીતિનો હિસ્સો બની શકે છે. રાધનપુર બેઠક ઉપર ફરી એકવાર અલ્પેશ ઉમેદવાર બનતો હોઈ કોંગ્રેસ માટે જીત મેળવવી આબરૂ સાચવવા સમાન બન્યું છે. આ તરફ અલ્પેશની જીત થાય તો ભાજપમાં મંત્રીપદ નક્કી હોવાથી જૂના જોગી કદ પ્રમાણે સાઈડ થવાની ભીતિ છે. જ્યારે અલ્પેશની હાર થાય તો ભાજપને રાજ્ય સરકારમાં સત્તા બાબતે કોઈ નુકશાન ન હોવાનું જાણી ભાજપનું જ એક ગૃપ મંથન કરી રહ્યું છે.

અલ્પેશની હાર કે જીત ઠાકોર સેનાના ભવિષ્યનો મદાર બનશે

અલ્પેશે ગત દિવસોએ કોંગ્રેસ છોડ્યા બાદ ઠાકોર સેનાના અનેક હોદ્દેદારો નારાજ બન્યા હતા. આથી અલ્પેશે પોતાની અત્યંત નજીક મનાતા અનેક ઠાકોર હોદ્દેદારોને સાઈડ કરી નવા આગેવાનોની નિમણૂંક કરેલી છે. આ પછીથી ઠાકોરસેના દ્વારા અમદાવાદ મિટીંગ સિવાય ખાસ કોઈ કાર્યક્રમો આપવામાં આવ્યા નથી. સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે, ઠાકોરસેના છેલ્લા કેટલાક સમયથી નાણાકીય ભીડ વચ્ચે સંગઠન ચલાવી રહી છે. આવી સ્થિતિમાં રાધનપુરથી અલ્પેશની જીત થાય તો ઠાકોર સેનામાં નવા પ્રાણ ફૂંકાઈ શકે છે. જો અલ્પેશની હાર થાય તો ઠાકોર સેનાને અસ્તિત્વ સામે લડાઈ લડવાની નોબત આવી શકે છે.

(5:48 pm IST)