Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

કઠલાલ તાલુકાના નવી છીપડીમાં જમીનના ભાગ બાબતે પિતા સાથે ઝઘડો કરી પુત્રએ જ પિતાની કરપીણ હત્યા કરતા અરેરાટી

કઠલાલ: તાલુકાના નવી છીપડીમાં કળીયુગના શ્રવણે ખેતીની જમીનમાં લાગભાગ બાબતે પિતા સાથે ઝઘડો કરી પિતાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે કઠલાલ પોલીસે પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના નવી છીપડીમાં અર્જુનભાઈ આતાભાઈ બારૈયા (ઉં.. ૬૫) તેમના પુત્ર દશરથ સાથે રહે છે. દશરથના લગ્ન કુંંબડથલ ગામની લીલાબેન સાથે થયાં હતાં. પરંતુ દશરથ કોઈ કામધંધો કરતો ના હોઈ તેમજ પિતા સાથે અવારનવાર ઝઘડા કરતો હોઈ પત્ની લીલાબેન ઠપકો આપતી હોઈ તેને પણ દશરથે કાઢી મુકી હતી. અર્જુનભાઈએ છીપડી નજીક ઉમેદપુરામાં રહેતાં દલપતસિંહ બેચરભાઈ ઝાલાની જમીન ભાગે વાવતાં હતાં. તેમાં હાલમાં બાજરીનો પાક કર્યો છે. તા.૨૩ મીની સાંજે દલપતસિંહ પોતાના ખેતરમાં ગયાં ત્યારે અર્જુન તેમજ તેમનો પુત્ર દશરથ હાજર હતાં. તે વખતે દશરથે પિતા અર્જુનભાઈ સાથે જમીનના ભાગ બાબતે ઝઘડો કર્યો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં અર્જુનસિંહ પણ ઘરે ગયાં હતાં. બીજા દિવસે દલપતસિંહ ઝાલા ખેતરે ગયાં ત્યારે અર્જુનસિંહ ખેતરમાં આવ્યાં હતાં. ગઈકાલે રાત્રે ઘરે ગયેલા અર્જુનસિંહ ખેતરે કેમ નહી આવ્યાં તે જાણવા દલપતસિંહ તેમના ઘરે ગયાં ત્યારે અર્જુનસિંહ ઓસરીમાં મુકેલા ખાટલામાં સુઈ રહેલા નજરે પડ્યાં હતાં. ઘણી બૂમો પાડી છતાં તેઓએ અવાજ આપ્યો નહી. તેમને જગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે જાગ્યાં નહી.એટલે ફોન કરીને લીલાબેનને જાણ કરી તથા ૧૦૮ બોલાવી હતી. પરંતુ ૧૦૮ના ડોક્ટરે આવીને અર્જુનસિંહને તપાસતા તે મૃત નજરે પડ્યાં હતાં. જેથી દલપતસિંહે પોલીસને જાણ કરતા પોલીસ આવી ગઈ હતી અને અર્જુનસિંહને પીએમ માટે કઠલાલ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં દલપતસિંહને ગળાના ભાગે મારમારવાથી અથવા તો ગળુ દબાવવાથી તેમનું મોત થયુ હોવાનું બહાર આવ્યું હતું.

(5:25 pm IST)