Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-એનસીપી વચ્ચે ત્રિ-પાંખીયા જંગના એંધાણ...!

ફરસુભાઇ ગોકલાણી એન.સી.પી.માં જોડાતાં ચૂંટણી રસપ્રદ બની રહેશે : ભાજપમાંથી શંકરભાઇ ચૌધરી અથવા અલ્પેશ ઠાકોર, કોંગ્રેસમાંથી જગદીશભાઇ ઠાકોર અથવા ગેનીબેન ઠાકોર અને એન.સી.પી.માંથી કોંગ્રેસના પીઢ અગ્રણી ફરસુભાઇ ગોકલાણી ઝંપલાવશે

પાટણ તા.૨૬: રાધનપુરની  બેઠક ઉપર ભાજપમાંથી શંકરભઆઇ ચૌધરી અને અલ્પેશ ઠાકોરનું નામ ચાલી રહ્યુ છે પણ રાધનપુર-સાંતલપુરની પ્રજા સ્થાનીક ઉમેદવારનેજ ટીકીટ આપવાની માંગણી મુકતા ભાજપનુ મોવડી મંડળ પણ અવઢવમાં મુકાયુ છે. શું અલ્પેશ ઠાકોરને ટીકીટ આપી ભાજપ આ બેઠક ખોવા માંગતુ નથી અને મગનુ નામ મરી પાડતુ નથી. અલ્પેશ ઠાકોર ચૂંટાયા બાદ વિવાદાસ્પદ નિવેદનો, આંદોલનો વિવિધ પ્રવૃતિઓથી કોંગ્રેસ પણ નારાજ હતી તો લોકસભાની ચૂંટણી જીતવા ભાજપે તેને ભગવો ખેસ પહેરાવી દીધો. હવે શું ભાજપ અલ્પેશ ઠાકોરને ટીકીટ આપશે કે કેમ? તો બીજી બાજુ શઁકરભાઇ ચૌધરી પણ આ બેઠકના પ્રબળ દાવેદાર અને સ્થાનીક ઉમેદવાર અને અગાઉ રાધનપુરથી ચુંટણી લડી વિજય પતાકા લહેરાવી ચુકયા છે ત્યારે પક્ષ તેમની પસંદગી કરે તો નવાઇ નહીં. અંદરખાને થરાદ બેઠક ઉપર શંકરભાઇ ચૌધરીનો વિરોધ જણાઇ રહ્યો છે, ત્યાં પણ સ્થાનીકને મુકવાની માંગ છે તો શું ભાજપ શંકરભાઇ ચૌધરીને રાધનપુર બેઠક ઉપરથી ચૂંટણી લડાવશે? હાલતો ભાજપ અને કોંગ્રેસ માટે આ બેઠક પ્રતિષ્ઠાના જંગવાળી છે. રાજકીય કાવાદાવા, જાતીવાદ અને અન્ય સમીકરણો જોતા બન્ને પક્ષો એકપણ ઉમેદવારનું નામ જાહેર કરતા નથી પણ ભાજપ છેલ્લી ઘડીએ કોથળામાંથી બીલાડું કાઢી કદાચ શંકર ચૌધરીને પણ ટીકીટ આપે તેવી અટકળો મુકાઇ રહી છે.

વધુમાં મળતી માહિતી મુજબ કોંગ્રેસના પીઢ અગ્રણી અને પાટણ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના પૂર્વ નેતા ફરસુભાઇ ગોકલાણી એન.સી.પી.માં જોડાયા હોવાની માહિતી મળી રહી છે, જો તેઓ એન.સી.પી.માંથી ચુંટણી લડશે તો ભાજપ-કોંગ્રેસ-એન.સી.પી.વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

રાધનપુર વિધાનસભાની બેઠક ઉપર બેલાખ સાઇઠ હજાર મતદારો છે. તેમાં ૮૦ હજાર ઠાકોર સમાજના મતદારો છે અને આ બેઠક ઉપર ઠાકોર સમાજનું પ્રભુત્વ વધુ છે.

કોંગ્રેસ પણ તેનું હુકમનું પત્તુ જાહેર કરતું નથી. અટપરા દાવામાં કોંગ્રેસ કયા ઉમેદવારને મુકશે તે રહસ્ય છે. ટીકીટ  માંગણીદારોમાં કોંગ્રેસના મોવડીમાં રઘુભાઇ દેસાઇ, ડો.ગોવિંદભાઇ ઠાકોર, ફરસુભાઇ ગોકલાણી, મહેશભાઇ મુલાણી સહીત છ જેટલા દાવેદારોએ ટીકીટની માંગણી કરી છે. કોંગ્રેસ પણ મગનું નામ મરી પાડતું નથી. ગુઢ રહસ્યમાં કોંગ્રેસ અને ભાજપ છેલ્લી ઘડીએ તેના ઉમેદવારો જાહેર કરેતો નવાઇ નહી.

કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર અને રાધનપુર-સાંતલપુર વિસ્તારોમાં સ્થાનીક આગેવાન ફરસુભાઇ ગોકલાણીનું નામ પણ ચાલી રહ્યું છે. કદાચ કોંગ્રેસ ટીકીટ ન આપેતો એનસીપી અથવા અપક્ષ ઉમેદવારી નોધાવેતો કોંગ્રેસમાં જબરજસ્ત ગાબડુ પડવાની શકયતાઓ જોવાઇ રહી છે ત્યારે સ્થાનીક મતદારો અન્ય જ્ઞાતિના ઉમેદવારને ટીકીટ આપવા માંગ કરી રહી છે. ત્યારે ગુઢ રહસ્યમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે.

છેલ્લી ઘડીએ જગદીશ ઠાકોર અથવા વાવ કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરી કોંગ્રેસ પણ અપસેટ સર્જે તો નવાઇ નહીં..!!!

(3:27 pm IST)