Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

પ્રથમ બીટકોઇન પછી ક્રીપ્ટ કોઇન અને હવે ગારનેટ કોઇન નામે કરોડોના કૌભાંડનો પર્દાફાશ

સાઉથ આફ્રિકા નાસી છુટેલા મુખ્ય પ્રમોટરને ભારત લાવવા સીઆઇડી વડા આશીષ ભાટીયાની પ્રસંશનીય ભૂમિકા : આકર્ષક મોડેલોની સમજાવટમાં લાલચ ભળી અને રોકાણકારોને પોક મુકીને રોવાનો વારો આવ્યોઃ રિમાન્ડ દરમિયાન રસપ્રદ વાતો બહાર આવી

રાજકોટ, તા., ર૬: 'દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીયે' એવી ઉકિતને સુરતના ચોક્કસ કૌભાંડકારોએ બીટકોઇન, ક્રીપ્ટ કોઇન અને હવે ગારનેટ કોઇન નામના ક્રિપ્ટો કરન્સીના નામે મોટુ વ્યાજ આપવાના નામે લોકો સાથે કરોડોની છેતરપીંડી કર્યા બાદ ઓફીસોને અલીગઢીયા લગાડી નાસી છુટેલા ચાર આરોપીઓ પૈકીના બે આરોપીઓને સીઆઇડી દ્વારા ઝડપી લઇ તે આરોપીઓના રિમાન્ડ દરમિયાન જે વાતો બહાર આવી છે તે બાબત ઉકત ઉકિતને ચરીતાર્થ કર્યા વગર રહેતી નથી.

ગારનેટ કોઇનનો પ્રમોટર ભાવીક સાઉથ આફ્રિકા ચાલ્યો ગયો છે. તેને પણ ભારત લાવવા સીઆઇડી ક્રાઇમના વડા આશીષ ભાટીયાએ અથાગ જહેમત ઉઠાવી હતી.

સીઆઇડી વડા આશીષ ભાટીયા તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંઘ પવારના માર્ગદર્શન તથા આર્થીક ગુન્હા નિવારણ શાખાના હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળની તપાસમાં આ સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડ તરીકે રીતેશભાઇ સોજીત્રા, હિરલ ઉર્ફે હિરેનભાઇ કોરાટ, ભાવીકભાઇ કોરાટ, અનિલભાઇ ગોહીલ અને હિતેષભાઇ વઘાસીયાએ ગુન્હાહીત કાવત્રુ રચી આરબીઆઇની મંજુરી વગર ગારનેટ કોઇનની વેબસાઇટ બનાવી તેમાં રોકાણ કરવા માટે મોડેલોના ઉપયોગ દ્વારા લોકોને આકર્ષ્યા હતા.

ઉકત આરોપીઓ પૈકી રિતેશભાઇ ભીખાભાઇ સોજીત્રા અને હિરલ ઉર્ફે ભુરાને સુરતના ડીટેકટીવ પીએસઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાએ અટકમાં લીધા બાદ અનીલભાઇ ગોહીલ મૂળ સિંહોર તથા હિતેષ વઘાસીયાના રિમાન્ડ દરમિયાન રપ-રપ ટકાની ભાગીદારી હોવાનું બહાર આવેલ છે. સીઆઇડી દ્વારા આવા કૌભાંડનો ભોગ બનેલા લોકોને રૂબરૂ અથવા મયુરધ્વજસિંહ એમ.સરવૈયા (પીએસઆઇ) મો.નં. ૯૯૦૯૯ ૭૪૪૪૭, પીઆઇ પી.જી.નરવાડે  મો.નં. ૯૮રપર ર૦૩૦૦ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.એમ.કેપ્ટન મો.નં. ૯૮૭૯પ ૦૯૭૭૯ (તમામ સુરત)નો સંપર્ક સાધવા જણાવાયું છે.

(12:20 pm IST)