Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

PMની 'મનકી બાત' સામે કોંગ્રેસ હવે કરશે 'મંદી કી બાત'

આ કાર્યક્રમ સમગ્ર દેશમાં મંદી કી બાત બેનર નીચે કરવાં આવશે, જેમાં કોંગ્રેેસના જાણીતા અર્થશાસ્ત્રીઓ અને બુદ્ઘિજીવીઓ વેપારીઓ સાથે ચર્ચા કરશે

અમદાવાદ, તા.૨૬: વડાપ્રધાનની 'મનકી બાત' સામે હવે કોંગ્રેસ શરૂ કરશે મંદી કી બાત. જીહાં, ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ દેશભરમાં ચાલી રહેલા આર્થિક મંદીના માહોલમાં મંદી કી બાત કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં નાના વેપારીઓ અને ઉધોગકારો સાથે દેશમાં ચાલી રહેલા આર્થીક મંદીના માહોલ અંગે ચર્ચા કરશે.

વડાપ્રધાન મોદીની મન કી બાત સામે હવે કોંગ્રેસ મંદી કી બાત કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસે દેશભરમાં મંદીના માહોલમાં સપડાયેલા નાના વેપારીઓ અને ઉદ્યોગકારો સાથે દેશમાં ચાલી રહેલા આર્થીક મંદીના માહોલ અંગે ચર્ચા કરવાં આવશે. આ કાર્યક્રમ સમગ્ર દેશમાં મંદી કી બાત બેનર નીચે કરવા આવશે, જેમાં કોંગ્રેસના જાણીતા અર્થશાસ્ત્રીઓ અને બુદ્ઘિજીવીઓ વેપારીઓ સાથે ચર્ચા કરશે.

ગુજરાતમાં પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ગુરુવારે ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે આ કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં મંદીથી રાજયના નાના વેપારીઓ સાથે મંદીના માહોલમાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરશે.

પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ મંદી કી બાત કાર્યક્રમ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં નોટ બંધી ત્યાર બાદ જીએસટીનું અણઘડ અમલીકરણ અને ભાજપ સરકારની આર્થિક ક્ષેત્રે સંદંતર નિષ્ફળતાઓના પરિણામે દેશ મંદીનો માર સહન કરી રહ્યો છે. વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધી રૂપિયો સતત નબળો પડતો ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ સીરામીક, ડાયમંડ, ટેકસ્ટાઇલ, ગ્રાસપર્ટ, અને ઓટો મોબાઈલ ઉધોગોઓ મંદીનો માર સહન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે સામાન્ય વેપારી સાથે મંદી કી બાત કરી તેમની ખરી સમસ્યાઓ સરકાર સામે ઉજાગર કરીશું.

કોંગ્રેસ મંદી કી બાતની સાથે હવે સીધો પ્રજા સાથે સંવાદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે જોવાનું એ રહશે કે શું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મન કી બાત સમાન કોંગ્રેસના મંદી કી બાતના કાર્યક્રમને જનતા સમર્થન આપશે.(૨૩.૪)

(9:35 am IST)