Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સરદાર પટેલ વગર ભારતનો નકશો પરિપૂર્ણ ન બન્યો હોત

સરદાર પટેલના પુસ્તકનું સ્મૃતિના હસ્તે વિમોચનઃ નહેરુ સપનાના ભારતની વાતો કરતા હતા જયારે સરદાર પટેલ વાસ્તવિક ભારતને લઇ કામમાં લાગ્યા હતા : સ્મૃતિ

અમદાવાદ, તા.૨૬: ભારત દેશના રાજકારણમાં સરદાર પટેલ જેવી મક્કમ મનોબળ અને દ્રઢ નિર્ધારશકિત ધરાવતી અન્ય કોઇ રાજકીય હસ્તી ના હોઇ શકે. સરદાર પટેલે ભારત દેશના એક એક ટુકડાને જોડીને અખંડ ભારત અને ભારત દેશના નકશાનું નિર્માણ કર્યું અને જો સરદાર પટેલ ના હોત તો, ભારત દેશનો નકશો જ પૂર્ણ બન્યો ના હોત. આ સંજોગોમાં અંખડ ભારતના શિલ્પી અને નવા લોકશાહી દેશને નિર્માણ કરવામાં સરદાર વલ્લભભાઇ પટેલનું યોગદાન કયારેય ભૂલી શકાય નહી એમ અત્રે ધ મેન હુ સેવ્ડ ઇન્ડિયા : સરદાર પટેલ અને હિઝ આઇડિયા- પુસ્તકના ઓથર અને દેશના જાણીતા પત્રકાર હિન્દોલ સેન ગુપ્તાએ જણાવ્યું હતું. કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા હિન્દોલ સેન ગુપ્તાના આ પુસ્તકનું શહેરમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, જવાહરલાલ નહેરુ એ વખતે સપનાના ભારતની વાતો કરતા હતા, જયારે સરદાર વલ્લભભાઇ પટલે વાસ્તવિક ભારતને લઇ કામ કરી રહ્યા હતા. કેન્દ્રીય કાપડમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં એ વખતે જયારે પણ કોઇ સમસ્યા આવતી ત્યારે સરદાર પટલને માથે ઝીંકી દેવાતી. કાશ્મીર માટેની ૩૧૭ની કલમ સરદાર પટેલ દ્વારા ઘડાયેલી તે વાતનો પણ સ્મૃતિ ઇરાનીએ છેદ ઉડાડયો હતો. તેમણે સરદાર અને નહેરૂના ઇતિહાસકાળ દરમ્યાનના એક કિસ્સાને ટાંકતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલે એ વખતે કહ્યું હતું કે, જયાં સુધી પાકિસ્તાન કાશ્મીર મુદ્દે નિવારણ ના લાવે ત્યાં સુધી તેને રૂ.૫૫ કરોડ નહી મળે પરંતુ એ વખતે નહેરૂએ ના પાડી અને પૈસા આપી દેવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે સરદાર પટેલના બલિદાન, ત્યાગ અને સમર્પણ ભાવનાને યાદ કરી તેને કદી ન ભૂલી શકાય તેવી ગણાવી હતી. દરમ્યાન ધ મેન હુ સેવ્ડ ઇન્ડિયા : સરદાર પટેલ અને હિઝ આઇડિયા- પુસ્તકના ઓથર અને દેશના જાણીતા પત્રકાર હિન્દોલ સેન ગુપ્તાએ જણાવ્યુ હતું કે, સરદાર પટેલે એક એક કરી ૫૦૦થી વધુ સ્ટેટને જોડી અખંડ ભારતનું નિર્માણ શકય બનાવ્યું હતું, તે બીજા કોઇથી શકય ન હતું. સરદાર પટેલને સાચા અર્થમાં યાદ કરવાના અથવા તો સાચી અંજલિ આપવાના બીજા રસ્તામાં એ છે કે, આપણે(ભારત) પાકિસ્તાન પાસે અમનની કાલ્પનિક આશા ના રાખવી જોઇએ, સરદાર પટેલને છેક ૧૯૯૧માં ભારતરત્ન એવોર્ડ એનાયત કરાયો તે વાતનું મને આજે પણ દુઃખ અનુભવાય છે. દેશના નાગરિકોએ પણ સાચા ઇતિહાસને જાણવો જોઇએ અને તેને સાચા અર્થમાં સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. સાચા ઇતિહાસ અને તેની વાસ્તવિક હકીકતોથી ડાયવર્ટ થવાને બદલે તેના પર ફોકસ કરી તેને સ્વીકારવી જોઇએ. અખંડ ભારતના નિર્માણ અને લોકશાહી પ્રથા ધરાવતા દેશના રાજકારણમાં સરદાર પટેલનું બહુમૂલ્ય યોગદાન અમર રહેશે. ઉલ્લેખનીય છે કે, મૂળ બંગાળના વતની અને પત્રકાર હિન્દોલ સેનગુપ્તા દ્વારા અગાઉ ગુરૂ ગોવિંદસિંહ, સ્વામી વિવેકાનંદ સહિતના નવ જેટલા ખૂબ જાણીતા થયેલા અને ખ્યાતિ પ્રાપ્ત પુસ્તકો પણ લખ્યા છે. સરદાર પટેલના પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીનો ખાસ આભાર માન્યો હતો.

(10:17 pm IST)