Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

રોકા ગ્રુપ ગુજરાતમાં ૧૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

સેનિટરી વેરી ક્ષેત્રે ગુજરાત મુખ્ય હબ બન્યું છેઃ જામનગર-રાજકોટમાં ગ્રીનફિલ્ડ ફોસેટ ઉત્પાદન સુવિધા સ્થાપવાનું રોકાનું આયોજન : એકઝીબિશન તક ચકાસાઇ

અમદાવાદ, તા.૨૬: સેનીટરી વેર ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સૌથી મોટા ગ્રુપ તરીકે નામના ધરાવતું રોકા ગ્રુપ આગામી ભવિષ્યમાં ગુજરાત રાજયમાં રૂ.૧૫૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે. ગુજરાતમાં જામનગર અને રાજકોટમાં સેનીટરી વેર અને ગ્રીન ફિલ્ડ ફોસેટ ઉત્પાદન-સુવિધા વધારવાના હેતુથી રોકા ગ્રુપ દ્વારા સક્રિય વિચારણા હાથ ધરવામાં આવી છે, જે અંગે નજીકના ભવિષ્યમાં અમલવારી હાથ ધરાશે. રોકા ગ્રુપ દ્વારા ગુજરાતમાં ફોસેટ ઉત્પાદન સુુવિધા મેળવા માટે એકઝીવીશનની તકો પણ ચકાસાઇ રહી છે એમ રોકા ગ્રુપના મેનેજીંગ ડિરેકટર કે.ઇ.રંગનાથને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેનેટરી વેર અને ફોસેટની નવી ઉત્પાદન સુવિધા માટે અમે ગુજરાત અંગે એટલા માટે વિચારણા કરી રહ્યા છીએ કેમ કે, ગુજરાત સેનીટરી વેર ક્ષેત્રે હબ છે અને અહીં રો મટીરીયલ તથા કુશલ કારીગરો ઉપલબ્ધ છે, જેને લઇ અહીં વિપુલ અને ઉજળી તકો રહેલી છે. રોકા ગ્રુપ દ્વારા જામનગર ખાતે ગ્રીનફિલ્ટ ફોસેટ ઉત્પાદન સુવિધા સ્થાપવાનું આયોજન છે અને તેની ક્ષમતા દસ લાખ યુનિટની રહેશે. જે માટે જૂથ દ્વારા રૂ.૫૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ જ પ્રકારે રાજકોટમાં પણ ફોસેટ ઉત્પાદન માટે એકઝીવીશનની શકયતાઓ ચકાસવા સાથે સેનેટરી વેર પ્રોડકટ્સના ૧૦ લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી સુવિધા-એકમ પાછળ રૂ.૧૦૦ કરોડનું રોકાણ કરાશે. આમ, ગુજરાતમાં રોકા ગ્રુપ દ્વારા રૂ.૧૫૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. સેનીટરી વેર ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સૌથી મોટા ગ્રુપ તરીકે જાણીતું રોકા ગ્રુપની ભારતીય પાંખ હાલ ભારતમાં આઠ ફેકટરી-એકમો ધરાવે છે, જેના મારફતે કુલ ૩૬ લાખ યુનિટનું વેચાણ કરે છે. કંપની હાલમાં કુલ ૪૫ લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. રોકા ગ્રુપ ભારતના રૂ.૧૫૦૦ કરોડના બ્રાન્ડેડ સેનીટરી વેર બજારમાં ૩૭ ટકા હિસ્સો ધરાવે છે. રોકા ગ્રુપ હાલ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિત વિશ્વના ૧૭ જેટલા દેશોમાં સેનેટીરી વેર અને ફોસેટ ઉત્પાદનની નિકાસ કરે છે. નિકાસની વધતી ડિમાન્ડને જોતાં પણ ગ્રુપ દ્વારા તેની ઉત્પાદન સુવિધા અને એકમો વધારવાની દિશામાં તેમણે આયોજન હાથ ધર્યું છે એમ રોકા ગ્રુપના મેનેજીંગ ડિરેકટર કે.ઇ.રંગનાથને ઉમેર્યું હતું.

(10:16 pm IST)