Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મેટ્રો મજૂરોને ટિફિન સપ્લાય બહાને લાખ્ખોની છેતરપિંડી

રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટર સામે ફરિયાદ : મેટ્રો પ્રોજેકટ મજૂરોને ટિફિન પૂરા પાડવાના છે તેમ કહી બોગસ કરાર કરી કેટરર્સને લાખોનો ચુનો લગાડી દેવાયો

અમદાવાદ, તા.૨૬ :નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.૧૩ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. લેબર કોન્ટ્રાકટરે કેટરર્સ વેપારીને મેટ્રો ટ્રેન પ્રોજેકટમાં મજૂરોને ટિફિન સપ્લાય કરવાનું કામ કરી અલગ અલગ એગ્રીમેન્ટ દ્વારા પૈસા પડાવ્યા હતા. ગંભીર પ્રકારના આ કેસમાં શહેરકોટડા પોલીસ હવે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને કૌભાંડની કડીઓ બહાર લાવવામાં જોતરાઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નરોડા રોડ પર આવેલી સી-કોલોનીમાં રહેતા અને હરિઓમ કેટરર્સ નામે વ્યવસાય કરતા કાળુસિંહ બલ્લાને નારણભાઇ વણઝારા નામની વ્યક્તિએ રાજસ્થાનના પાલી ખાતે રહેતા કાલુરામ ચનાલ સાથે ઓળખાણ કરાવી હતી. કાલુરામે પોતે લેબર કોન્ટ્રાકટર હોવાનું કહી કાળુસિંહને જણાવ્યું હતું કે અમદાવાદમાં ચાલતા મેટ્રો રેલ પ્રોજેકટમાં મજૂરોને ટિફિન સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ મળ્યો છે. આ કોન્ટ્રાકટ તમને આપવા માગું છું તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. ટિફિન સપ્લાય શરૂ કરતાં પહેલાં તેમને મહારાજા કોન્ટ્રાકટર ફર્મમાં રૂ.પ.૪૦ લાખ જમા કરાવવા પડશે તેમ કહી એગ્રીમેન્ટ કર્યો હતો. બાદમાં અલગ અલગ ટિફિન કોન્ટ્રાકટના પૈસા ભરવાના બહાને કુલ રૂ.૮ લાખ ચૂકવ્યા હતા. પૈસા ચૂકવ્યા બાદ ટિફિન સપ્લાયનું કહેતાં ટેન્ડર પાસ કરાવવા માટે કાલુરામે રૂ.પ લાખની માગ કાળુસિંહ પાસે કરી હતી. કાળુસિંહે વિશ્વાસમાં આવી રોકડા રૂ.પ લાખ આપ્યા હતા. પૈસા ચૂકવ્યા બાદ પણ ટિફિન સપ્લાયનું કામ શરૂ ન કરાતા કાલુરામ પાસેથી રૂ.૧૩ લાખ પરત માગ્યા હતા. પૈસા પરત માગતા તેણે ખોટા વાયદા કરી છેતરપિંડી આચરી હતી. તેથી કાળુસિંહે શહેરકોટડા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

(8:24 pm IST)