Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જવાનોએ હેરતંગેઝ કરતબો બતાવી સૌકોઇને ચકિત કર્યા

જનમેદનીએ જવાનોના અવકાશી ઉડાન શોને તાળીઓના ગડગડાટ અને ચિચિયારીઓથી વધાવ્યો : લોકો રોમાંચિત : ૮૬મા ઇન્ડિયન એરફોર્સ ડેની ગૌરવભેર ઉજવણી

અમદાવાદ, તા.૨૬ : વડોદરા શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ આજે વિવિધ કરતબો અને હેરતંગેઝ પ્રયોગા બતાવી ભારતીય વાયુસેનાની તાકાત, એરફોર્સના જવાનોનો જુસ્સો અને રાષ્ટ્ર્પ્રેમ પ્રદર્શિત કર્યો હતો, જે જોઇ હજારોની સંખ્યમાં ઉમટેલા દર્શકો દંગ રહી ગયા હતા. કેટલાક હેરતંગેઝ કરતબો અને પ્રયોગો તો હૃદયના ધબકારા થંભાવે દે પ્રકારના હતા, ઉપસ્થિત વિશાળ જનમેદનીએ એરફોર્સના જવાનોના અવકાશી ઉડાન શોને તાળીઓના ગડગડાટ અને ચિચિયારીઓથી વધાવી લીધો હતો અને તેમને સલામી આપી હતી. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. આજે વડોદરા શહેરમાં ૮૬મા ઇન્ડિયન એરફોર્સ ડેની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૂર્યકિરણ ૯ એરક્રાફ્ટનાં કરતબ દર્શાવાયા હતા તો, એરોબિટીક્સ ટીમ દ્વારા પણ આકાશગંગા ડિસ્પ્લે અને સ્કાય ડાયવિંગ પણ કરાયું. મહત્વનું છે કે ઇન્ડિયન એરફોર્સનું ગઠન ૧૯૩૨માં થયું હતું. આજે ૮૬માં ઇન્ડિયન એરફોર્સ ડે નિમિત્તે વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતે કરાયેલા સેલિબ્રેશનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બનાવાઇ હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વની ચોથી સૌથી મોટી એરફોર્સ ટીમ ભારત પાસે છે. આજે વડોદરા એરફોર્સ સ્ટેશને સૂર્યકિરણની ૯ જહાજની ટીમે હવામાં કરતબ બતાવ્યાં હતાં. જીવ તાળવે ચોંટી જાય તેવાં જવાનોએ કરતબ કરીને સૂર્યકિરણની ટીમ જમીન પર ઉતરતાં જ શહેરીજનોએ તાળીઓથી તેમનું સ્વાગત કર્યું હતું. હજારોની સંખ્યામાં શહેરીજનોએ આ એર શો નિહાળ્યો હતો. સૂર્ય કિરણ ટીમનાં પાયલોટે યુવાઓ દેશની સેવા માટે એરફોર્સમાં જોડાવા માટેની અપીલ કરી હતી. સને ૧૯૩૨માં ભારતીય વાયુસેનાનું ગઠન થયું હતું. દેશની સેવા અને જાણકારી માટે આ પ્રકારનાં શોનું આયોજન કરાતું હોય છે. વડોદરા ગુજરાતનાં લોકો માટે સુરક્ષાની જાણકારી આપવા માટે આ પ્રકારનાં શોનું આયોજન કરાયું હતું. હોક જહાજ દૂર સુધી જાય છે. સ્પીડ વધારે હોવાંથી કિરણ કરતાં હોક વધારે કરતબ કરી શકે છે. સૂર્યકિરણની ટીમ ૬૦૦થી ૮૦૦ અને કરતબ વખતે ૧૨૦૦ની સ્પીડ પાર કરીને કરતબ કરે છે. પક્ષીઓ આવતા ઉડાન ઉંચી કરાય છે. ૧૯૯૬માં સૂર્ય કિરણની એરોબિટીક ટિમ બની હતી. હેલિકોપટર અને ૯ એરક્રાફ્ટની કિરણની ટીમ એક માત્ર ટીમ છે. કોરક સ્ક્રુ નામનું ફોર્મેશન આજે કરાયું હતું. ફાઇટર પાયલોટ ૧૫૦૦ કી.મી ચલાવ્યાં બાદ જ સૂર્યકિરણ ટીમમાં શામેલ થઈ શકે છે. આ અંગે ટીમ લીડરે જણાવ્યું કે અમે નવા કરતબ કરતા પહેલાં પેપર વર્ક કરીએ છીએ. ખૂબ જ ઉંચાઈ પ્રેક્ટિસ બાદ અમે નીચી ઉંચાઈ પર આવીએ છે. સ્ટાર બસ્ટ, સીંકરોનાસ રોલ, સીંકરોનસ ટુ ફોર્મેટ ભૂમિકા નિભાવી હતી. સૂર્ય કિરણ ૯ની ટીમમાં એક મહિલા જ્યારે ૮ પુરુષ પાયલોટ સાથે સામેલ હતા. સૂર્ય કિરણ એરક્રાફ્ટની ટીમને લોકોએ ખૂબ આવકારી હતી અને જવાનોના હેરતંગેઝ સાહસને વધાવ્યા હતા. કરતબ બાદ અભિનંદન આપી કેટલાંક લોકોએ એરફોર્સના જવાનો અને પાયલોટ સાથે સેલ્ફી પણ પડાવી હતી. આ પ્રસંગે જવાનોએ નમ્રતા દાખવતાં જણાવ્યું કે, અમે લોકો માટે સેલિબ્રિટી હોઈ શકીએ પણ અમારું કામ દેશની સુરક્ષાનું છે. વડોદરાનું આકાશ આજે સૂર્યકિરણ પ્લેનનાં અવાજથી ગુંજી ઉઠ્યું હતું અને અહીં આવેલાં વડોદરાનાં નાગરિકો પણ દેશનાં શૂરવીરોની કરામતને જોઈને ખુશ થયાં હતાં અને દેશની સલામતી અને સુરક્ષા માટેનાં આ જવાનોનાં આ કરતબો જોઈ લોકોને ખૂબ જ ખુશીનો અનુભવ થયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં લાકો હાજર રહ્યાં અને આ એર શોને નિહાળ્યો હતો. તમામે એરફોર્સના જવાનોના રાષ્ટ્રપ્રેમ અને અદમ્ય સાહસને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

 

(7:50 pm IST)