Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

શિક્ષિકાનું કારમાં અપહરણ કરવાના પ્રયાસોથી ચકચાર

કારમાં લીફ્ટ આપી ગળુ દબાવી માર મરાયો : મહિલા આરોપી ડ્રાઇવરને બચકાં ભરીને ગમે તેમ કરીને નાસી છૂટવામાં સફળ : ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ

અમદાવાદ,તા. ૨૬ : શહેરના નરોડા વિસ્તારમાં રહેતી અને કલોલના પલોડિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને પેસેન્જર ગાડીના ચાલકે લીફ્ટ આપવાના બહાને કોઇ અવાવરું જગ્યાએ લઇ જઇ રૂમાલથી ગળું દબાવી તેને માર માર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બોલેરા કારના ડ્રાઇવર દ્વારા શિક્ષિકા મહિલાના અપહરણનો પ્રયાસ કરી તેનું ગળુ દબાવી માર મારવાનો પણ પ્રયાસ થયો હતો. જો કે, મહિલા આરોપી ડ્રાઇવરને બચકાં ભરીને ગમે તેમ કરીને નાસી છૂટવામાં સફળ રહી હતી. આ સમગ્ર બનાવ અંગે ડભોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ઝીણવટભરી તપાસ આરંભી છે. નરોડા વિસ્તારમાં અરિહંતનગર સોસાયટીમાં રહેતા ઉષાબહેન કડિયા (ઉ.વ.પ૬) કલોલના પલોડિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. દરરોજ તે નોકરી પર આવવા-જવા અપડાઉન કરે છે. ગઇકાલે સાંજે તેઓ રણાસણ સર્કલ પાસે નરોડા જવા માટે ઊભા હતા ત્યારે એક બોલેરો ગાડી આવી હતી અને નરોડા તરફ જતી હતી. તેથી ઉષાબહેન તેમાં બેસી ગયા હતા. ગાડીમાં અન્ય કોઇ પેસેન્જર ન હોવાથી ડ્રાઇવરે રણાસણ સર્કલથી હંસપુરા થઇ દહેગામ તરફ વાળતાં તેઓએ ડ્રાઇવરને કહ્યું હતું કે મારે તો નરોડા જવાનું છે અને તેમણે ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું. ડ્રાઇવરે તેમની માતાને લેવા જવું છે તેમ કહી ગાડી દહેગામ તરફ જવા દીધી હતી. ઉષાબહેને બૂમો પાડી અને તેઓ ગાડી રોકવા મોબાઇલ ફોનથી ફોન કરવા જતાં ડ્રાઇવરે તેમને માર માર્યો હતો. જંગલ જેવા વિસ્તારમાં ગાડી ઊભી રાખી તને મારીને કેનાલમાં ફેંકી દઉંં તેમ કહી રૂમાલથી ગળું દબાવ્યું હતું, જોકે ઉષાબહેન તે વ્યક્તિને બચકાં ભરી ધક્કો મારી ત્યાંથી નાસી છૂટી રોડ પર આવી ગયા હતા. કોઇ અન્ય વ્યક્તિની મદદ લઇ ઘેર પહોંચ્યા હતા અને અજાણી વ્યક્તિ વિરુદ્ધ ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(7:50 pm IST)