Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

બોરસદના અલારસામાં અગાઉ થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં બેદરકારી

બોરસદ:તાલુકાના અલારસા ગામની ચીભડિયા સીમ વિસ્તારમાં છ દિવસ પૂર્વે થયેલી મહિલાની હત્યાના આરોપીઓના પોલીસને હજી કોઈ નક્કર પૂરાવા મળ્યા નથી. પોલીસ હજી પણ મૂળ થીયરીથી વાકેફ ના બનતા હત્યામાં કેટલા શખ્સો સામેલ હોઈ શકે એ બાબતે પણ અસમંજસની સ્થિતિમાં છે. ત્યારે હાલ બોરસદ શહેર પોલીસ માત્ર મહિલાના ફોન ટ્રેસીંગને લઈ વધુ ચોકાવનારા તથ્યો સામે આવશેની સંભાવના પર વર્કઆઉટ કરી રહ્યાનું જાણવા મળે છે. 
ગત તા. ૨૦મીના રોજ ચીભડિયા સીમમાં રહેતી સોનલબેન ઉર્ફે જુગલી નટુભાઈ સોલંકીની તેના ઘરથી થોડે દૂર ડાંગરના ખેતરમાં અજાણ્યા શખ્સોએ બદ ઈરાદે હત્યા કરી દીધી હતી અને તેની લાશને નગ્ન હાલતમાં છોડી દીધી હતી. આ કેસમાં પ્રેમ પ્રકરણ કે અન્ય કયુ કારણ હોઈ શકે તે અંગે હાલ પોલીસ કાંઈ જણાવી નથી રહી ત્યારે હત્યા સ્થળે પોલીસને લોહીથી ખરડાયેલ લાકડાનો દસ્તો મળી આવ્યો હતો. એ સિવાયની અન્ય કોઈ ચીજ વસ્તુ મળી આવી નથી ત્યારે યુવતીનો એક માત્ર મોબાઈલ ફોન આરોપીઓ સુધી પહોંચવામાં કારગર બનશે કે કેમ ? તે હવે જોવું રહ્યું. 
મળતી માહિતી મુજબ છ વર્ષ પૂર્વે સોનલબેન ઉર્ફે જુગલીએ છૂટાછેડા લઈ પોતાના બાળક સાથે પિતાના ઘરે રહેતી હતી અને તેના ચારિત્ર્યને લઈ હત્યાનાં અનેક પાસાઓ જોવાઈ રહ્યા છે. આ અંગે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હત્યા સ્થળે ડાંગરના ખેતરમાં ઘણો ખરો ડાંગરનો ભાગ પડી ગયો હતો અને આ હત્યામાં બે કે તેથી વધુ નરાધમો દ્વારા યુવતી તાબે ન થતાં હત્યાને અંજામ અપાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ અંગે બોરસદ શહેર પોલીસના પી.આઈ. એ.આર. પલાસે હાલ તપાસ ચાલુ છે અને તપાસના ભાગરૂપે મૃતક મહિલાના પિતા અને ભાઈની તપાસ હાથ ધરી છે તેમ તેના પર્સનલ મોબાઈલ ટ્રેસ કરી રિપોર્ટ આવતા તે નંબરોની ઊંડાણ પૂર્વક તપાસ થશે. જોકે હત્યાના છ દિવસ બાદ પણ હજી નક્કર કહી શકાય તેવા પુરાવા પોલીસને હાથ લાગ્યા નથી.

(4:58 pm IST)