Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ખેરડામાં ગીત વગાડવા મામલે થયેલ અથડામણમાં બે પક્ષો સામસામે આવ્યા: હુમલામાં સરપંચને ગંભીર ઇજા

આણંદ: જિલ્લામાં ગણેશ મહોત્સવની ધાર્મિક ઉજવણીની વિસર્જન યાત્રા દરમ્યાન આણંદ જિલ્લામાં પીપળી, વડેલી તેમજ ખેડા જિલ્લામાં પણ પલાણા સહિતના સ્થળોએ કાંકરીચાળાની ઘટનાઓ બનવા પામી હતી. જેના કારણે બંને કોમ વચ્ચે વૈમનસ્યતાનો સર્જાયેલ માહોલ તંત્ર અને અગ્રણીઓની દરમ્યાનગીરીથી શાંત પાડવામાં આવ્યો હતો. દરમ્યાન ગતરાત્રિએ આણંદ તાલુકાના ખેરડા ગામમાં બસ સ્ટેન્ડ નજીકના નગારાવાસમાં ગુજરાતી ગીત વગાડવાની બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. ધાર્મિક લાગણી દુભાય તેમ લાગતા બે કોમ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકયો હતો. જેમાં ડેે.સરપંચના માથામાં લોંખડની પાઇપ ફટકારતાં તેઓને લોહીલુહાણ હાલતમાં આણંદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તોફાનીઓએ વેગનઆર, બાઇક સહિતના વાહનોની તોડફોડ અને આગચંપી કરતા સમગ્ર ગામમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસના ધાડેધાડા ગામમાં ઉતારવામાં આવ્યા હતા. ખંભોળજ પોલીસે ર૪ વ્યકિતઓ સામે ફરિયાદ તેમજ ૧૦૦થી વધુના ટોળા સામે રાયોટીંગ વીથ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. તોફાનીઓની અટકાયત કરવા માટે પોલીસ દ્વારા ટીમોની રચના કરવામાં આવી છે. 
પ્રાપ્ત વિગતોનુસાર ગત રાત્રિના સમયે ખેરડામાં નગારાવાસમાં ગુજરાતી ગીત વગાડવાની બાબતે બે કોમના વ્યકિતઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના વિસ્તારમાંથી બંને કોમના ટોળા સામસામે મારક હથિયારો સાથે આવી પહોંચતા તંગદીલીભર્યો માહોલ સર્જાયો હતો.ત્યારબાદ વાત વણસીને મારામારી સુધી પહોંચી હતી. જેમાં બંને તરફેના લોકો લાકડી, ધારીયા, પાઇપો લઇને સામસામે આવી ગયા હતા. જેમાં ડેે.સરપંચ મહેન્દ્રભાઇ ભોઇને માથામાં લોખંડની પાઇપ ફટકારતા તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડયા હતા. તોફાની ટોળાએ વિવિધ વાહનોમાં તોડફોડ કરવા સહિત કેટલાક વાહનોમાં આગ ચાંપી દીધી હતી. 

(4:58 pm IST)