Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અંબાજીના મેળામાં ૧૦ હજાર બાળકોને RFID કાર્ડ પહેરાવાયા, છૂટ્ટા પડી જાય તો તુરત વાલી સાથે મેળાપ

ખોવાઇ જતા બાળકો માટે અત્યાધુનિક પધ્ધતિનો નવતર પ્રયોગ : મેળામાં ર૬ લાખ લોકો આવ્યાઃ મંદિરને ૪ કરોડ રૂપિયાની આવક

રાજકોટ, તા. ૨૬ :. બનાસકાંઠા જિલ્લામાં દાતા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ તિર્થધામ શકિતપીઠ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળાનો લાખો લોકોએ લાભ લીધો હતો. મંદિર ટ્રસ્ટના વહીવટદાર નાયબ કલેકટર શ્રી સુધેન્દ્રસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ દર્શન, પ્રસાદ, ભોજન વગેરેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળામાં પ્રથમ વખત અતિ આધુનિક પદ્ધતિથી બાળકો માટે વાલી સાથે મેળાપનો પ્રયોગ કરવામાં આવેલ.

મેળામાં આવતા બાળકો ખોવાઈ જાય તો તેને શોધી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આરએફઆઈડી તરીકે ઓળખાતુ કાર્ડ આપવામાં આવેલ. કાર્ડ સાથે ખોવાયેલ બાળક તંત્રના નજીકના કેન્દ્ર પર આવે તો તુરંત કોમ્પ્યુટરમાં કાર્ડ સ્કેન કરવાથી તેની સાથે આવેલા માવતર અથવા વાલીને મોબાઈલ પર મેસેજ મળતો. જેના દ્વારા વાલી તે કેન્દ્ર પર પહોંચી પોતાના બાળકને લઈ જઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કુલ ૧૦ હજાર જેટલા બાળકોને આ કાર્ડ પહેરાવવામાં આવેલ. જેમાંથી મેળામાં છૂટા પડી ગયેલા ૩૩ જેટલા બાળકોનો આ પદ્ધતિથી તેના વડીલો સાથે મેળાપ કરાવી દેવાયો હતો.

અંબાજીના મેળામાં ૨૬ લાખ જેટલા લોકો ઉમટી પડેલ. જો મેળા પૂર્વેમાં બે દિવસમાં આવેલા ભાવિકોનો આંકડો ધ્યાને લેવામાં આવે તો તે આંકડો ૩૦ લાખની નજીક પહોંચે છે. દાનપેટી અને અન્ય રીતે ટ્રસ્ટને ૪ કરોડની આવક થઈ છે. પાર્કિંગથી મેળાના સ્થળ સુધી પહોંચવા વહીવટી તંત્ર દ્વારા વિનામૂલ્યે મીની બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. મેળો સફળ રહ્યો તેનો આયોજકોને આનંદ અને સંતોષ છે.

(4:35 pm IST)