Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અમદાવાદના કરદાતાનું એસસમેન્ટ દેશભરમાંથી કોઇ પણ અધિકારી કરશે

ઓકટોબરથી 'જયુરિડિકશન ફ્રી ઇનકમ ટેકસ એસેસમેન્ટ સિસ્ટમ' અમલમાં: પાઇલટ પ્રોજેકટ તરીકે દેશના ૧૦૦ શહેરોમાં અમલ, ક્ષતીઓ શોધીનો સુધારો કરાશે

મુંબઇ તા. ર૬ :.. કરદાતાઓને ઇન્કમ ટેકસ ઓફીસના પગથીયા જ ન ચડવા પડે તેના માટે સીબીડીટી દ્વારા ઓન લાઇન ટેકસ રિટર્ન ફાઇલ કરવાનું ફરજીયાત બનાવાયું છે. કેટલાક ચોકકસ કિસ્સામાં કરદાતાઓને સ્કુટીની બાદ એસેસમેન્ટ વખતે અધિકારી ખોટી રીતે પરેશાન કરતા હોવાની વિગતો પણ સામે આવી હતી. જેને પગલે હવે દેશના કોઇપણ ખૂણાના કરદાતાનું એસેસમેન્ટ સ્થાનીક અધિકારી નહિ પરંતુ અન્ય રાજય કે ક્ષેત્રનો અધિકારી જ કરી શકે તેવી સિસ્ટમ અમલમાં મૂકાશે. સીબીડીટી દ્વારા ઓકટોબર માસથી જ 'જયુરીસડિકશન ફી ઇનકમ ટેકસ એસેસમેન્ટ સીસ્ટમ' અમલમાં મૂકાશે. હાલમાં પાઇલટ પ્રોજેકટ તરીકે દેશના ૧૦૦ શહેરોમાં તેનો અમલ શરૂ થશે. જેને પગલે સીસ્ટમમાં શું ક્ષતીઓ છે અને શું સુધારા વધાર કરવા જરૂરી છે તેની માહિતી એકત્રીત કરાશે. આ સિસ્ટમ પ્રમાણે હવે કરદાતાનું એસેસમેન્ટ કર્યો અધિકારી કરશે તે પણ સોફટવેર જ નકકી કરશે.

તાજેતરમાં જ ઇન્કમ ટેકસ અધિકારીઓ દ્વારા કરદાતાઓને ખોટી રીતે પરેશાન કરવામાં આવતા હોવાની ફરીયાદો ઉઠી હતી. જેમાં તરત જ અધિકારી સામે પગલા પણ લેવાયા હતાં. હવે આ દુષણને કાયમી રીતે નાબુદ કરવા માટે સીબીડીટી દ્વારા આ નવી સીસ્ટમ વિકસાવાઇ છે. જેના અમલને પગલે આગામી દિવસોમાં ઇન્કમ ટેકસ રિટર્ન, સ્કૂટીની કે પછી એસેસમેન્ટ તમામ પ્રક્રિયાઓ માટે કરદાતાને આયકર વિભાગના કોઇ અધિકારીને મળવું જ નહિ પડે. સીનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલના જણાવ્યા મુજબ આ સીસ્ટમ માટે એક સોફટવેર તૈયાર કરાયું છે. જે રેન્ડમલી જ રિટર્ન સીલેકટ કરી અને તેના એસેસમેન્ટ માટે કોઇપણ અધિકારીની પસંદગી કરશે. અમદાવાદના કરદાતાના રિટર્નનું પણ સ્ક્રુટીની બાદ એસેસમેન્ટ કરવાનું હોય તો  સોફટવેર જ નકકી કરશે કે આ એસેમેન્ટ દિલ્હી-મુંબઇ કે પૂણાનો કયો અધિકારી અધિકારી કરશે.

જો કે એસેસમેન્ટમાં થતી પરેશાની ચોકકસ આ સીસ્ટમથી અટકી જશે પરંતુ આ પ્રક્રિયા બાદ અપીલમાં તો કરતાદાને અધિકારીઓની સામે આવવું જ પડશે. આવા કિસ્સામાં શું થશે તે તે એક મોટો પ્રશ્ન હોવાનું ટેકસ એડવાઇઝરો માની રહ્યા છે.

કરદાતાઓની પરેશાની ચોક્કસ ઘટી જશે, ડિપાર્ટમેન્ટને ફાયદોઃ જૈનિક વકીલ(સી.એ.)

આ સીસ્ટમનો સંપૂર્ણ પણે અમલ થાય તો કોઇપણ એસસમેન્ટ ઓફીસર જે તે કરદાતાની કોઇપણ વિગતોથી માહિતગાર ન હોય. તેઓ જુદા જુદા ક્ષેત્રના હોવાથી ખોટી રીતે રીતે થતી પરેશાની ચોકકસ અટકી જશે. અને તેનાથી ડીપાર્ટમેન્ટને પણ ચોકકસ ફાયદો થશે અને કરદાતા પણ વધી શકશે.

(11:57 am IST)