Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સ્વાઇન ફલૂની ચપેટમાં ગુજરાત : ૪૦૮ કેસ નોંધાયા : સપ્ટેમ્બરમાં ૧૦ દર્દીઓના મોત

હોસ્પિટલમાં દાખલ કરાતા લગભગ ૭૦ ટકા દર્દીઓ ન્યૂમોનિયાના

અમદાવાદ તા. ૨૬ : ગુજરાત ફરી એકવાર સ્વાઈન ફલૂની ચપેટમાં આવ્યું છે. વાયરલ ફીવરના સરેરાશ ૨૦૦ દર્દીઓ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને અન્ય જિલ્લાઓની હોસ્પિટલમાં ભરતી છે. અત્યાર સુધીમાં રાજયમાં સ્વાઈન ફલૂના ૪૦૮ કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર મહિનામાં ૧૦ લોકોના સ્વાઈન ફલૂના કારણે મોત થયા છે. એકસપર્ટના મતે, શરૂઆતના તબક્કે આવતો તાવ વાયરલ ફીવર જેવો લાગે છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થયેલા ૨૦-૨૫ ટકા દર્દીઓ ADRS (એકયુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ)થી પીડાય છે. ADRS સ્વાઈન ફલૂનું ત્રીજું સ્ટેજ છે જેમાં દર્દીના બંને ફેફસામાં ન્યૂમોનિયાની અસર જોવા મળે છે અને દર્દીને શ્વાસ લેવા માટે મહેનત કરવી પડે છે.

હોસ્પિટલમાં દાખલ કરાતા લગભગ ૭૦ ટકા દર્દીઓ ન્યૂમોનિયાના છે. ન્યૂમોનિયા H1N1નું બીજું સ્ટેજ છે, જેમાં વાયરલ ઈન્ફેકશન ફેફસા સુધી ફેલાય છે અને દર્દીને છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સ્વાઈન ફલૂ સિઝનલ બીમારીમાં સ્થાન લઈ રહ્યો છે એવામાં તાવ હોવા છતાં દર્દીઓ ૪૮ કલાક સુધી ડોકટર પાસે નથી જતાં અથવા તો ડોકટર્સ H1N1ના સામાન્ય લક્ષણો જેવા કે સૂકો કફ, ગળમાં અસહ્ય દુઃખાવો અને હાઈ ફીવર ઓળખવામાં થાપ ખાઈ જાય છે.

બી.જે. મેડિકલ કોલેજના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ અને સ્વાઈન ફલૂના સ્પેશિયાલિસ્ટ ડો. કમલેશ ઉપાધ્યાયે કહ્યું કે, 'મોટાભાગના દર્દીઓ જયારે ડોકટર પાસે આવે છે ત્યારે તે ન્યૂમોનિયા કે ADRSથી પીડાતા હોય છે. ન્યૂમોનિયા અને ADRS સ્વાઈન ફલૂના બીજા અને ત્રીજા સ્ટેજ છે. એનો અર્થ થાય છે કે ડોકટર અને પેશન્ટ બંને આ રોગના શરૂઆતના તબક્કાને ૧૦૦્રુ ઓળખવામાં નિષ્ફળ રહ્યા છે.' ડો. ઉપાધ્યાય જિલ્લા કક્ષાએ H1N1ના નિદાન અને સારવાર માટે ડોકટર્સમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે.

ડો. ઉપાધ્યાય કહે છે કે, 'આ રોગની શરૂઆતમાં દર્દીએ જાતે દવા કરવાની કોશિશ ન કરવી અને ત્વરિત ડોકટર પાસે જવું. આ બેકટેરિયલ ઈન્ફેકશન છે કે વાયરલ ઈન્ફેકશન તે ડોકટરને નક્કી કરવા દેવું.' મુખ્ય આરોગ્ય સચિવ જયંતી રવિએ કહ્યું કે, 'આ વર્ષે અમદાવાદમાં સ્વાઈન ફલૂના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેના પગલે શહેર અને જિલ્લામાં ચુસ્ત દેખરેખની સૂચના આપવામાં આવી છે.' ૨૪ સપ્ટેમ્બરે રાજયમાં સ્વાઈન ફલૂના ૩૩ કેસ નોંધાયા જેમાંથી ૧૯ અમદાવાદના છે.(૨૧.૭)

(11:56 am IST)