Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

દેશના સૌથી બીમાર રાજ્યોમાંથી એક ગુજરાત : ખાવાની ખોટી આદતો - દારૂ જવાબદાર

આ જ સ્થિતિ રહી તો ગરીબી આવતા વાર નહીં લાગેઃ ગુજરાતમાં દર લાખ લોકોએ ૧,૩૬૪ લોકો દારૂ અને ડ્રગ્સના વ્યસની છે જેના કારણે હેલ્થ રિસ્ક વધારે

અમદાવાદ તા. ૨૬ : ૧૯૯૦થી ૨૦૧૬ દરમિયાન ગુજરાત ભલે તંદુરસ્ત આર્થિક વિકાસની બડાઈ હાંકતું હોય પરંતુ વિકાસના બોજા હેઠળ દબાયેલું ગુજરાત દેશના બીમાર રાજયો પૈકીનું એક છે. લેટેસ્ટ લેન્સન્ટ સ્ટડી 'નેશનલ્સ વિધિન નેશનઃ વેરિએશન ઈન એપિડેમિલોજિકલ ટ્રાન્ઝિશન અક્રોસ ધ સ્ટેટ ઓફ ઈંડિયા, ૧૯૯૦-૨૦૧૬' પ્રમાણે, જયારે વ્યવસાયિક, વર્તણૂક અને મેટાબોલિક રિસ્કની વાત આવે તો ગુજરાતનો સમાવેશ નાદુરસ્ત રાજયોમાં થાય છે. ગુજરાતમાં દર લાખ લોકોએ ૧,૩૬૪ લોકો દારુ અને ડ્રગ્સના વ્યસની છે જેના કારણે હેલ્થ રિસ્ક વધારે છે.આ આંકડો બિહાર (૧૧૨૧), ઉત્ત્।રપ્રદેશ (૧૩૦૩), રાજસ્થાન (૧૧૮૬) અને ગોવા (૧૩૦૬) કરતાં વધારે છે. હરિયાણા, આસામ, ઓડિશા, મણીપુર અને કર્ણાટકમાં દારુ અને ડ્રગ્સના વ્યસનીઓ સૌથી વધારે છે. આ રાજયોમાં અનુક્રમે ૧૬૫૮, ૧૫૫૫, ૧૪૭૨, ૧૪૬૯ અને ૧૪૬૩ લોકો દારુ-ડ્રગ્સના આદી છે. સ્ટડી પ્રમાણે, જો આ પ્રકારે લોકો રોગમાં સપડાશે અને રાજય દ્વારા ત્વરિત પગલાં નહીં લેવાય તો ગરીબીમાં ધકેલાતાં વાર નહીં લાગે.

બીજી બાબતોમાં પણ ગુજરાતનું સ્વાસ્થ્ય વખાણવા લાયક નથી. દાખલા તરીકે, રોજિંદા ડાયટની વાત કરીએ તો આપણે વધુ કાર્બોહાઈડ્રેટ અને ઓઈલી ફૂડ ખાઈએ છીએ. દર એક લાખની વસ્તીએ ૩,૫૪૪ વ્યકિતઓનો ખોરાક આરોગ્યપ્રદ નથી. આ આંકડો દિલ્હી, કર્ણાટક અને કેરળ કરતાં ઊંચો છે. દૂષિત પાણી અને સેનિટાઈઝેશનના અભાવે થતાં રોગોની વાત કરીએ તો ગુજરાતનો આંકડો દેશના સરેરાશ અંક કરતાં વધારે છે. દર લાખ લોકોમાંથી ૮૭૯ લોકો સ્વચ્છતાના અભાવે બીમાર પડે છે.

બીજું ચિંતાજનક કારણ છે હાડકાંમાં ખનીજનું નીચું પ્રમાણ, દર લાખમાં ૨૧૭ લોકો આ સમસ્યાથી પીડિત છે. રાજયમાં દર લાખમાંથી ૯૩૦ વ્યકિતઓ કિડનીના દર્દીઓ છે. હેલ્થ વિભાગના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, 'ગુજરાતમાં ચેપી રોગોની સરખામણીમાં બિનચેપી રોગોના દર્દીઓ વધી રહ્યા છે. જેના પગલે રાજયની હેલ્થ પોલીસીમાં બદલાવ કરવો જરૂરી છે. અમે આ વિશે રિપોર્ટ સોંપ્યો છે.'(૨૧.૧૩)

(11:55 am IST)