Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જાદુગર જુ.મંગલ પોતાને મળેલું તોતિંગ વીજ બિલ ''છુમંતર'' કરી ન શકયાઃ જવું પડયું કોર્ટ

PGVCL સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદઃ ડીપોઝીટમાંથી બિલ કેમ કાપી લીધું?

અમદાવાદ તા.૨૬: એક જાદુગર પણ પોતાની જાદુઇ લાકડીથી પીજીવીસીએલનું બીલ ગુમ ન કરી શકયો. કારણ કે પોતાના શો દરમ્યાનના વપરાશનું મીટરીંગ થતું હતું.

વધારાના વીજ વપરાશ માટે પાવરકંપનીએ તેની ડીપોઝીટમાંથી પેેૈસા કાપી લીધા ત્યારે તેણે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી હતી. પણ ગ્રાહક અદાલતે જાદુના શોને ધંધાકીય પ્રવૃતિ ગણીને તેની અરજીને લેવાની ના પાડીને ઇલેકટ્રીસીટી એકટ હેઠળ યોગ્ય અદાલતમાં જવાનું કહયું હતું.

બીલની રકમ તેની ડીપોઝીટ માંથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) એ કાપી લીધા પછી જાદુગર રામભાઇ ચુડાસમા ઉર્ફે જુનિયર મંગલ ગ્રાહક અદાલતમાં પહોંચ્યો હતો.

૨૦૧૫માં તેેણે ગોંડલમાં બે મહિના સુધી પોતાના શો કર્યા હતા. તેના માટે તેણે ટેમ્પરરી પાવર કનેકશન ૨૫૦૦૦ રૂપિયા ડીપોઝીટ ભરીને લીધું હતું. બે મહિના પછી જયારે તેણે ડીપોઝીટની રકમ પાછી માંગી ત્યારે પીજીવીસીએલે રૂપિયા ૨૧૩૬૮ કાપીને બાકીની રકમ ચેક દ્વારા પરત કરી હતી.

જુનિયર મંગલે મીટરની ભુલ છે તેમ ગણાવીને પીજીવીસીએલ પાસેથી ડીપોઝીટની પુરી રકમ પાછી આપવાની માંગણી કરી હતી. તેણે કહયું કે તેના જાદુના ખેલ દરમ્યાન સાત વખત ૩૦ સેકન્ડ માટે જ ફુલ લાઇટની જરૂર પડતી હતી બાકીના સમયેતો જાદુની ટ્રીક માટે અંધકાર રહેતો હતો. તેણે ૯ કિ.વો. પાવર વાપર્યો હતો. પણ પીજીવીસીએલે ૧૯ કિ.વો. પ્રમાણે ખોટી ગણત્રી કરી હતી. તેણે એવી પણ દલીલ કરી હતી. કે તેનો કેસ ઇલેકટ્રીસીટી એકટ હેઠળ નથી આવતો પણ પાવર કંપનીની સર્વિસની ખામીમાં ગણાવો જોઇએ.

જયારે પાવર કંપનીની દલીલ એવી હતી કે દરેક ખેલમાં ફકત ૨૧૦ સેકન્ડ માટે જ ફુલ પાવર વપરાતો હોવાની જાદુગરની વાત ખોટી છે. તેના તંબુની આસપાસ ચા, નાસ્તા, પાન મસાલા વગેરેના સ્ટોલ હતા  અને તે લોકો પણ આ કનેકશનમાંથી જ પાવર વાપરતા હતા અને તેમની આવકમાં જાદુગરનો પણ ભાગ હતો. જાદુગરે ખરેખર વધારે પાવર વાપર્યો હતો અને તેથી વધારાની રકમ તેની ડીપોઝીટ માંથી કાપવામાં આવી હતી.(૧.૧૦)

(11:55 am IST)