Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

રાજય સરકારે મફતના ભાવે ટાટા મોટર્સને આપી રૂ.૫૮૫ કરોડની લોન

ટાટા મોટર્સને ૦.૧ ટકા સાદા વ્યાજે ૫૮૫ કરોડની લોન લ્હાણીઃવ્યાજ તો ઓછું સાથે લોન ચૂકવણી માટે ૨૧ વર્ષ પછીનો આપ્યો સમય

અમદાવાદ, તા.૨૬: ગુજરાતની ભાજપ સરકારે ગત માર્ચ ૨૦૧૮માં ટાટા મોટર્સને સાવ પાણીના ભાવે રુ.૫૮૪.૮૨ કરોડની સોફ્ટ લોન આપી હતી. આ અંગેની જાણ વિધાનસભામાં પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં થઈ છે. જે તે સમયે ટાટા મોટર્સે પ.બંગાળના સિંગુરમાંથી ગુજરાતમાં પોતાનો નેનો મેન્યુફે્ચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં લાવે તે માટે ગુજરાત સરકારે ૦.૧% સાદા વ્યાજે લોન આપવાની ઓફર કરી હતી. આ લોન કંપની દ્વારા ચૂકવવામાં આવતા વેલ્યુ એડેડ ટેકસ(વેટ)ના વળતર સ્વરુપે ચૂકવવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં લેખીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો કે, 'રાજય સરકાર દ્વારા ૦૧-૦૧-૨૦૦૯માં જે રીતે કંપનીને વાયદો કરવામાં આવ્યો હતો તે રીતે ઇન્સેન્ટિવ સ્વરુપે રુ.૫૮૪.૮૨ કરોડની સોફ્ટ લોન ટાટા મોટર્સ લિ.ને ૦૩-૦૭-૧૮ના રોજ ચૂકવવામાં આવી છે. સરકારના તે સમયના રીઝોલ્યુશન મુજબ લોનનો વ્યાજદર ૦.૧% જ રાખવામાં આવ્યો છે. બીજો કોઈ વધારાનો ચાર્જ આ માટે ટાટા મોટર્સ પાસેથી વસૂલાયો નથી.' તેમણે વધુમાં કહ્યું કે, 'લોન અને તેના પરના વ્યાજ સહિતનો પરત ચૂકવણીનો હપ્તો શરત મુજબ પહેલી નેનો કાર વેચાયાના ૨૧ વર્ષ બાદ હપ્તેથી ચૂકવવાની છૂટ આપવામાં આવી છે.' અન્ય એક કોંગ્રેસી ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, 'ટાટા મોટર્સે રાજયમાં રુ.૨૯૦૦ કરોડ પહેલા ફેઝમાં અને બીજા ફેઝમાં રુ.૧૧૦૦ કરોડનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. જોકે કંપનીએ પહેલા જ ફેઝમાં માર્ચ ૨૦૧૮ સુધીમાં કહ્યા કરતા વધારે રુ.૩૯૫૪ કરોડનું રોકાણ કરી દીધું છે.'

ટાટા મોટર્સે ક્રમાનુસાર વર્ષ ૨૦૧૩થી ૨૦૧૮ સુધી ૨૧,૧૫૫, ૧૭૪૮૯, ૨૨૧૧૪, ૮૩૦૫ અને ૧૯૨૦ જેટલી કાર્સનું આ પ્લાન્ટમાંથી ઉત્પાદન કર્યું છે. રાજય સરકારે આપેલી માહિતી બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આરોપ મુકયો હતો કે, રાજય સરકારે પ્રજાના નાણાંનો વેડફાટ કર્યો છે. સરકારને આ લોનમાંથી હજુ સુધી એક પૈસાનું પણ વ્યાજ સુદ્ઘા નથી આવ્યું. આ દર્શાવે છે કે ભાજપની સરકાર ફકત અમીરોની અને મોટા મોટા ઉદ્યોગોની સરકાર છે.(૨૩.૬)

(11:54 am IST)