Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગીરમાં વધુ એક સિંહણનું મોત : મૃત્યુ આંક ૧૪ થયો

સરકાર અને વનવિભાગના ઢાંકપિછોડા પર સવાલોઃ છથી વધુ સિંહ બિમારીથી પીડાઇ રહ્યા હોવાની વાત સામે આવી : સિંહને પેટ ભરવા મારણ મળતુ ન હોવાની ચર્ચા

અમદાવાદ, તા.૨૫: આજે ફરી ગીરના જંગલમાં એક સિંહણનું મોત થયું છે. જોત જોતામાં ધારી નજીકની દલખાણીયા રેન્જમાં આજે ૧૪મા દિવસે ૧૪મા સિંહનું મૃત્યુ થયું હોવાની વાત સામે આવતાં ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. છેલ્લા ૧૪ દિવસમાં ૧૪ સિંહોના મોતથી હવે તો હદ થઈ ગઇ હોવાનું પર્યાવરણવિદ્દો અને વન્યપ્રેમીઓ કહી રહ્યા છે તો બીજીબાજુ, હવે રાજય સરકાર અને વનવિભાગ દ્વારા આ સમગ્ર મામલે થઇ રહેલા ઢાંકપિછોડાને લઇ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. વનવિભાગની ટીમની સિંહોની હેલ્થ ચકાસણીમાં એવી ચોંકાવનારી વાત સામે આવી રહી છે કે, હજુ ૬ સિંહો બીમારીથી સબડી રહ્યા છે. જેમાં અમુકની ઇજાથી તથા કમજોરીથી હાલત ગંભીર છે. જેને લઇને પણ હવે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ગીરના દલખાણીયા રેન્જમાં ટપોટપ સિંહના મોત થઇ રહ્યાં છે. આ રેન્જમાં છેલ્લા ૧૩ દિવસમા ૧૩ સિંહ મોતને ભેટ્યા હતા, જે બે ગંભીર હતા, તે પૈકી એક સિંહણનું આજે મોત નોંધાતાં સમગ્ર પંથક સહિત રાજયભરમાં આઘાતની લાગણી સાથે ખળભળાટ મચી ગયો છે. રાજયના વનવિભાગ અને સરકારને પણ ગંભીરતાનો ખ્યાલ આવી જતા સિંહના મોતનું કારણ જાણવા દિલ્હી અને દેહરાદૂનથી ટીમો અહીં ઉતારી દેવાઇ છે. વનવિભાગ જવાબદારી ખંખેરી સિંહના મોત પાછળ કુદરતી કારણ જ જણાવી રહી છે. ત્યારે સ્થાનિકો અને વન્ય પ્રેમીઓનો સૂર કંઇક અલગ છે. વાસ્તવમાં ગીરના જંગલમા સિંહને મારણના ફાંફા થઇ ગયા છે માટે તે આજુબાજુના ગામડા અને રસ્તા પર ઉતરી આવે છે. પુખ્ત સિંહ હોય તો તેને દર આઠ દિવસે ૨૦ કિલો મારણની જરૂરિયાત રહેતી હોય છે. જંગલ વિસ્તારમાં રોજનું રોજ ત્રણ ચાર કિલો મારણ સિંહને મળી શકતું નથી. અમરેલીના પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્ર તળાવીયાએ જણાવ્યું હતું કે, વનવિભાગ પર રાજકારણીની ઇચ્છા શક્તિ નથી, પ્રકૃતિને બચાવવા પ્રકૃતિપ્રેમી અધિકારી અને રાજકારણીની જરૂર પડતી હોય છે. જેનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. પુખ્ત સિંહને રોજનુ ત્રણ-ચાર કિલો ખોરાક જોઇએ, ધારી રેવન્યુ અને દલખાણીયા રેન્જ મળીને ૧૫૦ જેટલા સિંહો હશે તેને પૂરતું ભોજન ન મળે એટલે માંદા પડે અને વિવિધ રોગ ઉત્પન થતા હોય છે અથવા તો મારણ સ્વરૂપે ગમે તે ખોરાક આરોગી લેતો હોય એટલે પણ વિવિધ ઇન્ફેક્શન લાગી જતા હોય છે. દલખાણીયા રેન્જમાં રહેતા ખેડૂતો પણ વનવિભાગથી ફફડી ઉઠ્યા છે. નામ ન આપવાની શરતે તેઓ કહે છે કે પછી વનવિભાગ અમને બોલાવીને પગલા ભરશે. કારણ કે વનવિભાગ સિંહને સાચવવામા સદંતર નિષ્ફળ નિવડ્યું છે. હજુ કેટલા સિંહ બીમાર છે તે પણ શોધી શકી નથી. આ સંજોગોમાં હજુ સિંહનો મૃત્યુઆંક વધશે તેવી ભીતી સ્થાનિકો વ્યકત કરી રહ્યા છે ત્યારે આજે વધુ એક સિંહણના મોત સાથે સિંહોનો કુલ મૃત્યુઆંક ૧૪ ઉપર પહોંચતા લોકો હવે ન્યાયિક તપાસની માંગ પણ ઉઠાવી રહ્યા છે.

(10:39 pm IST)