Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

S.T બસના મુસાફરો માટે ખુશખબર : સીટ કન્ફર્મ નહીં થાય તો મળશે રિફંડ : 15મી ઓગસ્ટથી શરૂ કરાઇ સુવિધા : એસટી નિગમના ટોલ ફ્રી નમ્બર પર કોલ કરી પ્રવાસ સ્થળ માટે સીટ બુક કરી શકાશે : કી નમ્બર મળ્યા બાદ 5 કલાક પહેલા મુસાફરે ટિકિટ લઈ લેવી પડશે

ગાંધીનગર : એસટીમાં નિગમ એક નવી સુવિધા પ્રવાસીઓ માટે લાવી છે જેમાં એક ફોન કોલ કરીને પ્રવાસી સિટ બુક કરાવી શકશે. તેના માટે મુસાફરે એસટી નિગમના ટોલ ફ્રી નમ્બર પર કોલ કરી પ્રવાસ સ્થળ માટે સીટ બુક કરાવવાની રહેશે. કી નમ્બર મળ્યા બાદ, બસ ઉપાડવાની 5 કલાક પહેલા મુસાફરે  ટિકિટ લઈ લેવી પડશે. ફોન બુકીંગ કર્યા બાદ રિઝર્વ સીટ નહીં મેળવનાર કે ટિકિટ કેન્સલ કરાવનાર પ્રવાસીને 100% રિફંડ પાછુ મળશે.
 
GSRTC દ્વારા 15મી ઓગસ્ટથી આ સુવિધા એસટીના મુસાફરો માટે શરૂ કરવામા આવી છે. મુખ્ય પરિવહન અધિકારી દ્વારા અમદાવાદ,સુરત, અને વડોદરા સહિતના વિભાગોને પરિપત્ર મોકલી આ સુવિધાને કાર્યરત કરવા જણાવાયુ છે તે મુજબ હવે અમદાવાદમાં પણ આ સેવા શરૂ થઈ ચુકી છે. આ સેવા અંતર્ગત હવે માત્ર ફોન બુકીંગ જ નહિ પણ લિંક સર્વિસ અને વેઇટિંગ લિસ્ટની પણ સુવિધા શરૂ કરવામા આવી છે.

એસટીતંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે ઓ.પી.આર.એસ સોફ્ટવેરમાં નવું ઓપશન ઉમેર્યા બાદ એસટી મુસાફરોને લાભ આપવા સુવિધા શરૂ કરાઇ છે. 2008માં જીએસઆરટીસી દ્વારા રિઝર્વેશન સુવિધા શરુ કરવામાં આવી હતી જેને મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા હવે એસટી બસોના બુકિંગને વધુને વધુ હાઈટેક બનાવી રહ્યું છે. વર્ષ 2014માં ઓનલાઇન રિઝર્વેશનની સુવિધા શરુ કર્યા બાદ હવે ફોન બુકીંગ શરુ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત જો મુસાફરની સીટ કન્ફર્મ ન થાય તો 100% રિફંડ મળશે.

ફોન બુકીંગનો લાભ લેવા ઇચ્છતા મુસાફરે એસટી નિગમના ટોલ ફ્રી નમ્બર પર કોલ કરી પોતાને જે સ્થળનો પ્રવાસ કરવાનો છે તે સ્થળ માટે સીટ બુક કરાવવાની રહેશે. સીટ બુક કરાવ્યા બાદ મુસાફરના મોબાઈલ પર તંત્ર દ્વારા સાત આંકડાનો કી નમ્બર સેન્ડ કરવામાં આવશે. જે કી નમ્બર લઈ મુસાફરે પોતાની નજીકના કાઉન્ટર પર ટિકિટની રકમ ચૂકવી પ્રિન્ટ લેવાની રહેશે. એસટી વિભાગ દ્વારા ફોન બુકીંગની સુવિધા આપવા તમામ બસમાં 5 સીટ અનામત રાખવામાં આવી છે. 

બસ ઉપડવાના નિર્ધારિત સમયના 5 કલાક પહેલા મુસાફરે પ્રિન્ટ લઈ લેવાની રહેશે. જો 5 કલાક પહેલા મુસાફર ટિકિટ ન મેળવે તો સીટ સામાન્ય રિઝર્વેશન માટે ખુલી જશે.લિંક સર્વિસથી જો મુસાફરને પોતાના સ્થળથી સીધી બસ ઉપલબ્ધ ન હોય તો નજીકના સ્થળથી પહોંચવાના સ્થળનું એડવાન્સ બુકીંગ થઇ શકશે. ફોન બુકીંગ કર્યા બાદ ટિકિટ કેન્સલ કરાવનારને 100 % રિફંડ મળશે.

(11:55 pm IST)