Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

સુરતની કાપડ બજારની સ્થિતિમાં સુધારો જોવા ન મળતા પરિસ્થિતિ વધુ ખરાબ બની: 60થી 70 ટકા મશીનો બંધ હાલતમાં રહેતા કામદારોને હાલાકી

સુરત: શહેરના કાપડબજારની સ્થિતિમાં કોઈ સુધારો નહીં હોવાને કારણે દિવસે દિવસે પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે અને આની અસર કાપડ બજારના વિવિધ ક્ષેત્રો ઉપર પડી છે. એમ્બ્રોઇડરી ક્ષેત્રની હાલત એટલી ખરાબ છે કે60થી 70 ટકા મશીનો બંધ જેવી હાલતમાં છે અને જે મશીનો છે તે પણ એક પાળીમાં ચાલી રહ્યા છે. જોબવર્કનું પ્રમાણ ઓછું થયું છેતો મશીનોની સંખ્યા પણ ઘટી રહી છેએકમો બંધ પડી રહ્યા છે. એમ્બ્રોઇડરી ઉદ્યોગની હાલત ખુબ ખરાબ થઈ છે અને આવનારા દિવસોમાં આનાથી પણ વધુ ખરાબ સ્થિતિનું નિર્માણ થવાની ભીતિ કારખાનેદારોને સતાવે છે. આંજણા ફાર્મ એમ્બ્રોઇડરી ઓનર્સ એસોસિએશનના શ્રવણકુમાર જોષીએ જણાવ્યું કેગત બે મહિના પછી ઉદ્યોગની હાલત દિવસે દિવસે બગડતી રહી છે. સંખ્યાબંધ મશીનો ભંગારમાં વેચી દેવાયા છે અને હજુ પણ વેચવામાં આવી રહ્યા છે. મશીનો  60થી 70 હજારની કિંમતમાં ભંગારમાં વેચાઈ રહ્યા છે. આંજણા ફાર્મ અને ભાઠેના વિસ્તારમાં સંખ્યાબંધ એમ્બ્રોઇડરી એકમો બંધ પડયા છે. કોઈ લેવા તૈયાર નથી. કાપડ બજારમાં વેપારીઓ તરફથી જોબવર્ક તદ્દન ઓછું થઈ ગયું છે. કાપડના વેપારીઓ પણ અત્યારે ભયંકર ભીંસનો અનુભવ કરી રહ્યા છે. બહારગામના પેમેન્ટ આવતા નથી અને તેને કારણે જોબવર્કના પેમેન્ટો પણ જલ્દી છૂટા થતા નથી. એમ્બ્રોઇડરીના કારખાનેદારો માટે અત્યારે કારખાના અને મકાનનું ભાડું તથા મશીનના હપ્તા કઈ રીતે ભરવા એક મોટી સમસ્યા છે.

(2:43 pm IST)