Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ધોરણ-9 થી 11ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ : પ્રથમ દિવસે 20 ટકા આસપાસ વિદ્યાર્થીઓની હાજરી

ધોરણ-11માં તો માંડ 14 ટકા જેટલા જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા

અમદાવાદ : રાજ્યમાં ધોરણ-9થી 11ની શાળાઓમાં આજે સોમવારથી પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થયો છે. જોકે, પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. રાજ્યમાં પ્રથમ દિવસે 20 ટકા આસપાસ હાજરી નોંધાઈ હતી. જેમાં ધોરણ-11માં તો માંડ 14 ટકા જેટલા જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જોકે, પ્રથમ દિવસે વરસાદની અસર પ્રત્યક્ષ શિક્ષણ પર પડી હોય તેમ પણ જણાઈ રહ્યું હતું. ઉપરાંત બોર્ડની પરીક્ષાના લીધે પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. ધોરણ-12માં સોમવારે 47 ટકા હાજરી જોવા મળી હતી.

 

કોરોનાના પગલે રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ વખતે માત્ર ઓનલાઈન જ શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં સરકાર દ્વારા સૌપ્રથમ ધોરણ-12ના વર્ગો પ્રત્યક્ષ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધોરણ-9 અને 11ની સ્કૂલોમાં સોમવારથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ સોમવારથી રાજ્યની સ્કૂલોમાં ધોરણ-9થી 11માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું હતું. પરંતુ પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

ધોરણ-9માં પ્રથમ દિવસે 12936 સ્કૂલોમાં નોંધાયેલા 3.72 લાખ વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ દિવસે 86 હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ પ્રથમ દિવસે ધોરણ-9માં સરેરાશ હાજરી 23.26 ટકા જેટલી રહેવા પામી હતી. જ્યારે ધોરણ-10માં 4.04 લાખ વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ દિવસે 98 હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, પ્રથમ દિવસે ધોરણ-10માં 24.25 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી. જ્યારે ધોરણ-11માં 3 લાખ વિદ્યાર્થીઓ પૈકી 43 હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, ધોરણ-11માં 14.35 ટકા હાજરી નોંધાઈ હતી.

 

આમ, પ્રથમ દિવસે ધોરણ-9થી 11માં સરેરાશ 20 ટકા જેટલી હાજરી જોવા મળી હતી. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતીના પગલે ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા ન હતા. ઉપરાંત હાલમાં બોર્ડની પરીક્ષા ચાલતી હોવાના લીધે ઘણી સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્ર હોવાથી આ સ્કૂલો શરૂ થઈ શકી ન હતી. જેથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. ધોરણ-12માં સોમવારના રોજ 2 લાખ વિદ્યાર્થીઓમાંથી 97 હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, ધોરણ-12માં 47.11 ટકા હાજરી નોંધાઈ હતી.

(11:36 pm IST)