Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓ સાથે ભાજપ સરકારનું ઓરમાયું વર્તન : ખેલાડીઓને સમ્માન અને સહાય આપો : અર્જુન મોઢવાડિયા

સરકારની ઉપેક્ષાના કારણે દેશને વર્લ્ડકપ જીતાડનાર ખેલાડીઓ આજે મજુરી કરવા લાચાર: પૂર્વ ખેલાડીઓને નોકરી, સહાય ન આપીને યુવાનોના સ્વપ્નોનોને હણવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ

ગાંધીનગર: ટોકિયોમાં ઓલમ્પિક્સ 2020નો તાજેતરમાં પ્રારંભ થયો છે. આ ઓલમ્પિક્સમાં ભારતના અનેક ખેલાડીઓએ ભાગ લીધો છે. તેમાં ગુજરાતની છ યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખુદ દેશના વડાપ્રધાન મોદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેવા સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભારતને અંધજનો માટેના ODI વર્લ્ડકપ, T-20 વર્લ્ડકપ અને એશિયાકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકર આજે મજુરીકામ કરીને જીવનનિર્વાહ કરતા હોવાનું જણાવ્યું છે.
  તેમણે વધુમાં જણાવ્યું છે કે, નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકરે વર્ષ 2018 માં ભારતને અંધજનો માટેનો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. આ ઉપરાંત આ ખેલાડીઓ અલગ અલગ સ્પર્ઘાઓમાં પોતાનું શાનદાર યોગદાન આપી દેશનું ગૌરવ વધારી ચુક્યા છે. આ માટે તેમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમને આશા હતી કે વર્લ્ડ કપ જીત્યા બાદ રાજ્ય સરકાર તેને નોકરી આપશે.
   સરકારે ત્યારે તેમની સાથે ફોટા પડાવી સિદ્ધીને બિરદાવવાની સાથે નોકરીની ખાતરી પણ આપી હતી. પરંતુ આજે ચાર વર્ષ થઈ ગયા છે. છતાં આ ખેલાડીઓને હજુ સુધી નોકરી મળી નથી. ત્યાં સુધી કે સરકારે તેમની તકલીફો જાણવાની તસ્દી સુધ્ધાં લીધી નથી. એટલે આંખમાં આશું અને નિરાશા સાથે તેઓ મજુરીકામ કરવા મજબુર બન્યા છે

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતુ કે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અનંત પટેલ ( વાંસદા, નવસારી )એ આ ત્રણેય ખેલાડીઓને નોકરી અને આર્થિક સહાય આપવા માટે વિધાનસભામાં પણ રજુઆત કરી હતી. પરંતુ નઘરોળ ભાજપ સરકાર પોતાના જ ધારાસભ્યોની જનતાલક્ષી રજુઆત સાંભાળતી નથી, તો પછી અમારા ધારાસભ્યોની રજુઆત ક્યાંથી સાંભળે ? જો કે કોંગ્રેસ પાર્ટી આ ખેલાડીઓને ન્યાય મળે તે માટેના પ્રયાસો ચાલુ રાખશે. ભાજપ સરકારે ગુજરાતના ગૌરવ સમાન ખેલાડીઓને સમ્માન અને સહાય આપવી જ પડશે !

(8:26 pm IST)