Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રાજ્યમાં ભારે વરસાદને કારણે 56 રસ્તાઓ બંધ : વાહન વ્યવહારને માઠી અસર

પંચાયત હસ્તકના 54, જામનગર જિલ્લામાં 1 સ્ટેટ હાઈવે,વલસાડ જિલ્લામાં 30 રસ્તા ડાંગમાં 9,તાપીમાં 5,સુરતમાં 4 રસ્તા બંધ : દાહોદ,વડોદરા,રાજકોટ,જામનગર,જૂનાગઢમાં 1-1 રસ્તો. જ્યારે છોટાઉદેપુરમાં 2 રસ્તા બંધ

અમદાવાદ : રાજયમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ રાજયના કુલ 56 રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર પર માઠી અસર જોવા મળી છે. જેમાં પંચાયત હસ્તકના 54, જામનગર જિલ્લામાં 1 સ્ટેટ હાઈવે બંધ છે. જ્યારે વલસાડ જિલ્લામાં 30 રસ્તા ભારે વરસાદને કારણે બંધ થઈ ગયાં છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં 9,તાપીમાં 5,સુરતમાં 4 રસ્તા બંધ છે. મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોઈએ તો દાહોદ,વડોદરા,રાજકોટ,જામનગર,જૂનાગઢમાં 1-1 રસ્તો બંધ છે. જ્યારે છોટાઉદેપુરમાં 2 રસ્તા બંધ છે.

 

ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ ગામો બેટમાં ફેરવાયા છે. ત્યારે ધોરાજીના મોટી મારડ ગામમાં 9 ઇંચ વરસાદ પડતા લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. ગામના 5 તળાવો ઓવરફ્લો થઈ ગયા છે. ગામનું મેઇન તળાવ, પંચાયત પાસેનું તળાવ, મારડીયાના માર્ગનું તળાવ સહિત તમામ તળાવો ઓવરફ્લો થઈ ગયા છે. ગામના તમામ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ધોરાજીના ગ્રામ્યા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.

ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં મૂશળધાર 7 ઇંચ વરસાદ ખાબકતા ગામમાં કેડસમા પાણી ભરાય ગયા હતા. આથી લાઠ ગામે જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા અને ગામ થોડા સમય માટે સંપર્ક વિહોણું બન્યું હતું. હાલ તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે.

 

હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

(6:54 pm IST)