Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ:મૃતકો માટે કફન લાવનારા ત્રણ મિત્રોને જ કફન ઓઢાડવા પડયાં: સંજય પટેલ

બોંબની રજકણો કાનમાં જતી રહેવાના કારણે જમણાં કાનમાં સંભળાતું નથી:દિવાળીની રાત્રે બોમ્બ ફૂટતાં હોવાથી બહાર નીકળતો નથી: સંજય પટેલ

અમદાવાદ : બોમ્બ બ્લાસ્ટના પગલે સેવા કરવા દોડી ગયેલા અસારવાર યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલના જમણાં કાનમાં બોંમ્બ બ્લાસ્ટના કારણે રજકણો ઘૂસી જતાં આજે પણ સંભળાતું નથી. તેના કારણે જ આજે પણ તેઓ દિવાળીની રાત્રે બોંબ ફૂટતાં હોવાથી ઘરની બહાર નીકળતાં નહીં હોવાનું સંજયભાઇ પટેલે જણાવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે બોંબ ધડાકો થયો હોવાની જાણ થતાં જ મિત્રો સાથે સેવા કરવા ત્યાં પહોંચી ગયા હતા. અને મુતકોને ઓઢાડવા માટે તેમના ત્રણ મિત્રો જશવંતભાઇ રણછોડભાઇ પટેલ, જયેશ ભગવતભાઇ દવે, જયકીશન ચંદુભાઇ પટેલ હતા. ત્રણેય જણાં 200 મીટરના તાકા મને ટ્રોમા સેન્ટરમાં આપીને બહાર નીકળ્યા ત્યાં જ બીજો બોંબ બ્લાસ્ટ થતાં ત્રણેય જણાંએ મારી સામે દમ તોડયો હતો. ત્રણેય મીન રાશિના હતા. મુતકોને ઓઢાડવા માટે લાવેલા કફન પોતાને જ ઓઢવા પડયા તેવી સ્થિતિ સર્જાઇ હતી.

સંજય પટેલે વધુમાં કહ્યું કે, બોંબની રજકણો મારા જમણાં કાનમાં જતાં રહ્યા હતા. બારીક હોવાથી ઓપરેશન કરીને પણ કાઢવા શક્ય નહીં હોવાથી તે રહેવા દીધાં છે. જેના કારણે આજે પણ મને જમણાં કાનમાં સંભળાતું નથી. મિત્રો મજાકમાં મને કાન બદલાવી લેવા જ જણાવે છે. આ ઘટના બાદ આજે પણ બોંબ ફૂટતાં હોય તો કાનમાં રજકણો જતાં રહેશે તેવા ડરના માર્યા હું દૂર જ રહું છું. તેમાંય દિવાળીની રાત્રે તો બને ત્યાં સુધી હું ઘરની બહાર નીકળતો જ નથી. આજે પણ એ દ્દશ્યો નજર સામે આવતાં જ શરીરના રૂવાડાં ખડા થઇ જાય છે.

(10:33 pm IST)